દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ એટલે કે DUSU ચૂંટણીના પરિણામોમાં ABVPના ઉમેદવારોએ 4માંથી 3 મહત્વના પદો પર જીત મેળવી છે, જ્યારે ઉપાધ્યક્ષ પદ અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીનના ફાળે ગયું છે. ચૂંટણી દરમિયાન અનેક રાઉન્ડ સુધી પ્રમુખ પદ માટે ABVP અને NSUI વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.
પ્રમુખ પદ પર યશ ડબાસની જીત
પ્રમુખ પદ માટે ABVPના યશ ડબાસ અને NSUIના વિજય શંકર મીણા વચ્ચે ભારે મુકાબલો રહ્યો હતો. ગણતરી દરમિયાન બંને ઉમેદવારોની લીડ વારંવાર બદલાતી રહી હતી. અંતે યશ ડબાસે પ્રમુખ પદ પોતાના નામે કર્યું હોવાનું પરિણામોમાં સામે આવ્યું છે.
ઉપાધ્યક્ષ પદે અપક્ષ ઉમેદવારનો દબદબો
ઉપાધ્યક્ષ પદ પર અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીન શરૂઆતના રાઉન્ડથી જ મજબૂત સ્થિતિમાં રહ્યા હતા. ABVP અને NSUIના ઉમેદવારોની સરખામણીએ તેમણે નોંધપાત્ર લીડ જાળવી રાખી અને અંતે ઉપાધ્યક્ષ પદ જીત્યું.
સચિવ પદે રિયા છાવડી વિજેતા
સચિવ પદ પર ABVPની રિયા છાવડીએ NSUIની નમ્રતા ચૌધરી સામે જીત મેળવી. ગણતરીના વિવિધ તબક્કામાં રિયા છાવડી લીડમાં રહ્યા હતા અને અંતે આ પદ ABVPના ખાતામાં ગયું.
સંયુક્ત સચિવ પદ પણ ABVPના ફાળે
સંયુક્ત સચિવ પદ પર ABVPના લક્ષ્ય રાજ સિંહે જીત નોંધાવી. આ બેઠક પર પણ અનેક રાઉન્ડ દરમિયાન મતનો તફાવત ખૂબ જ ઓછો રહ્યો હતો, જેના કારણે પરિણામ પર અંત સુધી નજર રહી હતી.
40.46% મતદાન થયું હતું
DUSU ચૂંટણીમાં કુલ 40.46% મતદાન નોંધાયું હતું. મતદાન દિલ્હી યુનિવર્સિટીના 52 કેન્દ્રો પર થયું હતું અને ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
DUSUમાં 4માંથી 3 પદ ABVPએ કબજે કર્યા
અંતિમ પરિણામ મુજબ પ્રમુખ, સચિવ અને સંયુક્ત સચિવ પદ ABVPના ઉમેદવારોના ફાળે ગયા છે, જ્યારે ઉપાધ્યક્ષ પદ અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીનના નામે રહ્યું છે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ABVP અને NSUI વચ્ચે રહ્યો હતો, જ્યારે અપક્ષ ઉમેદવારે પણ એક મહત્વનું પદ મેળવ્યું છે.
આ પણ વાંચો : Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે 'અર્નવ' વાવાઝોડું..!