નાસાના અત્યાધુનિક 'સેન્ટીનેલ-6 માઈકલ ફ્રીલિચ' (Sentinel-6 Michael Freilich) ઉપગ્રહે પ્રશાંત મહાસાગરના પેટાળમાં એક મોટી અને અસામાન્ય હલચલ નોંધી છે. આ સેટેલાઈટે સમુદ્રના ઊંડાણમાં એક વિશાળકાય ગરમ લહેરને કેદ કરી છે, જેને વૈજ્ઞાનિકો 'કેલ્વિન તરંગ' તરીકે ઓળખાવે છે. આ ગતિવિધિ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે આ વર્ષના અંત સુધીમાં વિશ્વએ ફરી એકવાર વિનાશકારી 'અલ-નીનો' (El-Nino) ચક્રનો સામનો કરવો પડશે.
2020માં લોન્ચ કરાયેલો સેન્ટીનેલ-6 ઉપગ્રહ રાખે છે સતત દેખરેખ
નાસા દ્વારા વર્ષ 2020માં લોન્ચ કરાયેલો સેન્ટીનેલ-6 ઉપગ્રહ દર 10 દિવસે સમગ્ર પૃથ્વીના સમુદ્રના સ્તરની દેખરેખ રાખે છે અને તેનો ચોક્કસ નકશો તૈયાર કરે છે. આ સેટેલાઈટ એટલો શક્તિશાળી છે કે તે દરિયાના પાણીના સ્તરને એક ઇંચના ખૂબ નાના ભાગ સુધીની ચોકસાઈથી માપી શકે છે. તાજેતરના અહેવાલો મુજબ, મે મહિનાના મધ્ય સુધીમાં દક્ષિણ અમેરિકાના કોલંબિયા, ઇક્વાડોર અને પેરુના દરિયાકાંઠાની આસપાસ સમુદ્રનું સ્તર સામાન્ય સરેરાશ કરતાં 15 સેન્ટિમીટરથી પણ વધુ ઉપર આવી ગયું છે. પાણીના સ્તરમાં આટલો મોટો વધારો એ સાબિત કરે છે કે ત્યાં સમુદ્રનું તાપમાન ખૂબ ઝડપથી વધી રહ્યું છે.
https://twitter.com/NASAEarth/status/2059667124033925224
શું છે આ ગરમ 'કેલ્વિન તરંગો'?
હવામાન વૈજ્ઞાનિકોના મતે, સમુદ્રની અંદર અલ-નીનોની સ્થિતિ ઊભી કરવામાં આ કેલ્વિન તરંગો સૌથી મોટી ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગર પર પૂર્વથી પશ્ચિમ તરફ નિયમિત પવનો ફૂંકાતા હોય છે. પરંતુ જ્યારે આ પવનો નબળા પડે છે, ત્યારે તેની જગ્યાએ પશ્ચિમી પવનો સક્રિય બને છે. પવનોની આ અદલાબદલીને કારણે પશ્ચિમ પેસિફિક ક્ષેત્રનું અત્યંત ગરમ પાણી પૂર્વ તરફ (દક્ષિણ અમેરિકાના કિનારા તરફ) ધકેલાય છે. જ્યારે આ પ્રક્રિયા સતત કેટલાક મહિનાઓ સુધી ચાલે છે અને ત્યાં ગરમ પાણીનો મોટો જથ્થો જમા થાય છે, ત્યારે 'અલ-નીનો' સક્રિય બને છે.
વૈશ્વિક અર્થતંત્ર અને માનવજીવન પર સંકટ
જો આ વર્ષે અલ-નીનો ચક્ર સંપૂર્ણપણે પૂરજોશમાં આવશે, તો તેની ભયંકર અસરો વૈશ્વિક સ્તરે જોવા મળશે. આના કારણે ભારત અને એશિયાના ઘણા દેશોમાં ચોમાસું નબળું પડી શકે છે, જેના લીધે તીવ્ર દુષ્કાળ, પાકની બરબાદી અને પીવાના પાણીની ભારે તંગી સર્જાઈ શકે છે. બીજી તરફ, દક્ષિણ અમેરિકાના દેશોમાં કમોસમી મુશળધાર વરસાદ અને પૂરના કારણે જાનમાલનું મોટું નુકસાન થવાની આશંકા છે. નાસાની આ નવીનતમ શોધે દુનિયાભરના વૈજ્ઞાનિકોને ચિંતામાં મૂકી દીધા છે, કારણ કે આ કુદરતી ફેરફાર માનવજીવનની સાથે વૈશ્વિક કૃષિ અર્થતંત્રને પણ મોટો ફટકો મારી શકે છે.
આ પણ વાંચોઃ પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઇને પ્રજા ચિતિંત, ભારત પાસે હજુ છે પેટ્રોલ ડીઝલનો આટલો સ્ટોક...