ભારતીય ચૂંટણી આયોગે દેશની ચૂંટણી વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ અને વધુ સચોટ બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ પગલું ભર્યું છે. દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સત્તાવાર રીતે ‘ECINet’ એપ લોન્ચ કરી છે. આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે અત્યાર સુધીની 40થી વધુ અલગ-અલગ ઓનલાઇન સેવાઓને એક જ છત્ર નીચે એટલે કે સિંગલ વિન્ડો ઇન્ટરફેસમાં સમાવી લે છે.

રિયલ-ટાઇમ માહિતી અને અભેદ્ય સુરક્ષા

આ એપ દ્વારા મતદારો અને ઉમેદવારોને ચૂંટણી સંબંધિત તમામ વિગતો રિયલ-ટાઇમમાં મળી રહેશે. ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધૂએ આ એપની સુરક્ષા અંગે ખાતરી આપતા જણાવ્યું હતું કે ECINet ને હેક કરવું અશક્ય છે, જે તેને અત્યંત વિશ્વસનીય બનાવે છે. બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન આ એપના બીટા વર્ઝનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં જનતા પાસેથી મળેલા 15,000 થી વધુ સૂચનોને આધારે તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

એપની મુખ્ય વિશેષતાઓ અને સુવિધાઓ

ECINet એપમાં મતદારો માટે અનેક ઉપયોગી ફીચર્સ છે, જેમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે:
સંપૂર્ણ વિગતો: ઉમેદવારનું નામ, શૈક્ષણિક લાયકાત, એફિડેવિટ (સોગંદનામું) અને ગુનાહિત ઇતિહાસની વિગતો.
મતદાન મથકની વિગત: તમારા પોલિંગ સ્ટેશનની લોકેશન અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ.
BLO સાથે જોડાણ: મતદારો સીધા જ બૂથ લેવલ ઓફિસર (BLO) સાથે કોલ બુક કરી શકશે.
ફરિયાદ નિવારણ: જો કોઈ પક્ષ કે ઉમેદવાર આચારસંહિતાનો ભંગ કરે, તો એપ દ્વારા તાત્કાલિક ફરિયાદ કરી શકાશે.
લાઇવ અપડેટ્સ: મતદાનની ટકાવારી અને ચૂંટણીના પરિણામો પણ રિયલ-ટાઇમમાં જોઈ શકાશે.

ચૂંટણી આયોગ અને જનતા વચ્ચેનો વિશ્વાસ વધુ ગાઢ બનશે

ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર આયોજન અને વ્યવસ્થાપનમાં ટેક્નોલોજી હવે અનિવાર્ય બની ગઈ છે. આ એપના માધ્યમથી ચૂંટણી આયોગ અને જનતા વચ્ચેનો વિશ્વાસ વધુ ગાઢ બનશે. મુખ્ય ચૂંટણી કમિશનરે વિશ્વની અન્ય ચૂંટણી સંસ્થાઓને પણ ભારતની આ ટેક્નોલોજીનો અભ્યાસ કરવા અને તેનો લાભ લેવા આમંત્રણ આપ્યું છે.

આ પણ વાંચોઃ 
  • Follow us on: