દિશા સાલિયન કેસે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBI દ્વારા FIR નોંધવામાં આવી ત્યારથી આ મામલો સતત ચર્ચામાં રહ્યો છે. આ કેસના સંદર્ભમાં આદિત્ય ઠાકરેનું નામ વારંવાર સામે આવ્યું છે અને હવે તેમણે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ દિશા સાલિયનને ઓળખતા નથી.
"હું દિશા સાલિયનને ક્યારેય મળ્યો નથી કે તેમની સાથે મારો કોઈ પરિચય પણ નહોતો. છેલ્લા છ વર્ષોથી, રાજકીય ઈરાદાઓ, અંગત અદાવત અને મારી છબી ખરડવાના (ચરિત્ર હત્યાના) પ્રયાસોને કારણે અમુક લોકો જાણીજોઈને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સાથે મારું નામ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે આ બાબતે કોઈ પણ પુરાવા કે જોડાણ અસ્તિત્વમાં નથી. સત્ય કે હકીકત વિના ચલાવવામાં આવતું આ ખોટું અભિયાન દુર્ભાગ્યપૂર્ણ છે."
"નવી તપાસ થવી જોઈએ"
આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું, "ટીવી ચેનલો પર થતી સનસનીખેજ ચર્ચાઓ અને મીડિયા ટ્રાયલ સત્યને બદલી શકતા નથી. સત્તાવાર એજન્સીઓને અવરોધ, રાજકીય દખલગીરી કે ચરિત્ર હત્યાના પ્રયાસોથી મુક્ત રહીને આ મામલાની નિષ્પક્ષ અને નવી તપાસ કરવાની છૂટ મળવી જોઈએ. હું ફરીથી કહેવા માંગુ છું કે જો કોઈને એમ લાગતું હોય કે તેઓ આવી ચરિત્ર હત્યા અને ખોટા પ્રચાર દ્વારા અમને ચૂપ કરાવી શકે છે, તો તેઓ ભૂલ કરે છે. દેશની જનતાની સાથે રહીને સત્ય માટે અને અન્યાય વિરુદ્ધનો અમારો સંઘર્ષ ચાલુ રહેશે."
આ સમગ્ર મામલો શું છે?
સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનનું 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક ઈમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. શરૂઆતમાં, મુંબઈ પોલીસે આ ઘટનાને આત્મહત્યા ગણીને 'આકસ્મિક મૃત્યુનો અહેવાલ' (Accidental Death Report) નોંધ્યો હતો. જોકે, બાદમાં બોમ્બે હાઈકોર્ટે CBIને FIR નોંધીને આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આ મામલો સતત ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે અને તેમાં ઉદ્ધવ તથા આદિત્ય ઠાકરે સહિતના અનેક દિગ્ગજ નેતાઓના નામ જોડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: UPI ચાર્જને લઈને ઘમાસાણ! સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, 2000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ્સ વિરુદ્ધ અરજી દાખલ