અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત પોતાના બિન્દાસ નિવેદનો માટે હંમેશા ચર્ચાનું કેન્દ્ર હોય છે અને કોઈપણ મુદ્દા પર બોલવાની તક તેઓ છોડતા નથી. જો કે હાલ તેમણે જે નિવેદન આપ્યું છે તેને લઇને ક્યાંક ભાજપ હાઇકમાન્ડની નારાજગી વહોરી લીધી હોય તેમ લાગી રહ્યું છે.  કંગનાનું કહેવું છે કે તેઓ ભાજપની કઠપૂતળી નથી અને શક્ય છે કે આવતીકાલે પાર્ટી તેમને સાથ ન આપે.  આ સાથે જ તેમણે બાબા રામદેવને પણ આડેહાથ લીધા હતા અને કહ્યું હતું કે શું બાબા રામદેવ મારા રૂમમાં ચામાચીડિયું બનીને લટકી રહ્યા હતા?   

કંગના રનૌતને એક ચેનલ સાથેની વાતચીતમાં જ્યારે તેમના કડવા અને આક્રમક નિવેદનો અંગે સવાલ કરવામાં આવ્યો, ત્યારે કંગનાએ કહ્યું, "વંદાને તમે ચપ્પલથી જ મારશો ને, હાથમાં તો નહીં લો ને? ચુંબન તો નહીં કરો ને?"

'ભાજપની કઠપૂતળી નથી, પાર્ટી આજે મારી સાથે છે, આવતીકાલે હોય કે ન હોય'

કંગનાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ જે પણ નિવેદન આપે છે, તે ભાજપનું સત્તાવાર વલણ હોય છે કે તેમનો વ્યક્તિગત વિચાર હોય છે? તેના જવાબમાં કંગનાએ કહ્યું, "એવું નથી કે હું મારી પાર્ટીથી અલગ થવા માગું છું. પરંતુ મને લાગે છે કે જ્યારે ખૂબ વધારે ઘોંઘાટ થઇ રહ્યો હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક તમારે પણ જોરથી બોલવું પડે છે. હું ઘણીવાર આકરા નિવેદનો આપી દઉં છું, પરંતુ હું જાણી જોઈને આવું કરવા માગતી નથી. ... હું કોઈ કઠપૂતળી થોડી છું. ભાજપ આજે મારી સાથે છે, આવતીકાલે હોય કે ન હોય. 2 વર્ષથી હું સંસદસભ્ય છું. 20 વર્ષથી હું કલાકાર છું. એ સિવાય પણ મારું પોતાનું અસ્તિત્વ છે. હું જો ઊભી થઈ જાઉં તો 20 પત્રકારો આવશે અને મારી વાત સાંભળશે."

'ક્યારેક ઊંચનીચ થઈ જાય છે, જે પાર્ટીને ખટકતી હશે'

કંગનાએ આગળ કહ્યું, "મેં હંમેશાં કહ્યું છે કે મારા વિચારો મારા પોતાના છે, મારી વિચારધારા મારી પોતાની છે. તે અચાનક ગાયબ થઈ શકે નહીં. હું પ્રયાસ કરું છું અને પાર્ટી સાથે મારું જોડાણ એવું છે કે ક્યારેય કંઈપણ તેમને ખોટું લાગે તેમ નથી કરતી. પરંતુ હા, ક્યારેક ઊંચનીચ થઈ જતી હશે, જે તેમને ખટકતી હશે. પરંતુ હું હજુ નવી છું અને આ બાબતો શીખી રહી છું."

લોકસભામાં ફરી ટિકિટ નહીં મળે તો? 

કંગનાને જ્યારે પૂછવામાં આવ્યું કે આજથી 5-10 વર્ષ બાદ તેઓ પોતાને કોઈ મોટા બંધારણીય પદ પર જોશે કે ફરી અભિનય ક્ષેત્રમાં પરત ફરશે? તેના જવાબમાં કંગનાએ કહ્યું, "આનો જવાબ આપવો મુશ્કેલ છે, ખાસ કરીને આજના સમયમાં રહેલી ઘણી અનિશ્ચિતતાઓને જોતા.  એ પછી જ્યારે આગામી લોકસભા માટે ટિકિટ મેળવવા બાબતે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે કંગનાએ કહ્યું. મને એવો કોઇ ડર નથી કે જો મને ટિકિટ નહીં મળે તો મારું અસ્તિત્વ ખતમ થઈ જશે. હું એક અભિનેત્રી પણ છું, ફિલ્મ નિર્માતા છું, લેખિકા છું અને મને મારા કામથી ખૂબ પ્રેમ છે. હું હજુ પણ ઘણા ડિરેક્ટર્સની ખૂબ પસંદગીની અભિનેત્રી છું. તેમાંથી ઘણા મારી રાહ જોઈ રહ્યા છે. તેઓ મને પૂછે છે કે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેમ છોડી? જીવનમાં કરવા માટે ઘણું બધું છે."

'બાબા રામદેવ ચામાચીડિયા બનીને મારા રૂમમાં લટકી રહ્યા હતા?'

કંગનાએ આ જ મુલાકાતમાં બાબા રામદેવ સાથે જોડાયેલા મુદ્દા પર પણ વાત કરી હતી.  કંગનાએ Gen-Zને ગટરછાપ કહી દેતા બાબા રામદેવે તેમની ટીકા કરી હતી અને તેમના અંગત જીવન અંગે પણ ટિપ્પણી કરી હતી. બાબા રામદેવે કહ્યું હતું કે તેમના અગાઉના કારનામા કેવા રહ્યા છે? તેમની યુવાની કેવી રહી છે? Gen-Zને ગટર કહેવું બગડેલા મગજની નિશાની છે.

આ અંગે પૂછવામાં આવતા કંગનાએ કહ્યું, "શું બાબા રામદેવ મારા રૂમમાં ચામાચીડિયાની જેમ લટકી રહ્યા હતા? શું તેમણે મને મારી યુવાનીમાં જોઈ હતી? તેમને શું ખબર મારા અગાઉના જીવનની. તેમણે શું જોયું હતું? મને સમજાતું નથી કે તેમણે ખરેખર શું જોયું. તેમણે જણાવવું જોઈએ કે તેમણે શું જોયું."

બાબા રામદેવને અગાઉ પણ આપ્યો હતો જવાબ

આ પહેલાં કંગનાએ બાબા રામદેવને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જવાબ આપ્યો હતો અને લખ્યું હતું, "બાબાજી મારી યુવાની અથવા બેડરૂમ વિશે સપનાં ન જુઓ. કોઈ વ્યક્તિ માત્ર અફવાઓ અને ગૉસિપના આધારે જ અંદાજ લગાવી શકે છે.  છેતરપિંડીવાળા તબીબી દાવાઓ માટે મને ક્યારેય સુપ્રીમ કોર્ટની ફટકાર પડી નથી. આ વાત પાકા પુરાવા અને તથ્યો પર આધારિત છે, કોઈ ગૉસિપ કે અંદાજ પર નહીં. તેથી મને ચારિત્ર્યનો પાઠ ન ભણાવો. મારું ચારિત્ર્ય તમારા કરતાં ઘણું સારું છે. અહીં કોઈ છેતરપિંડી નથી."