વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઇન્ડોનેશિયાના પ્રવાસે છે.આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો થયા છે.આ કરારોમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સબાંગ પોર્ટને વિકસાવવા માટેનો સમજૂતી કરાર સૌથી વધુ ચર્ચામાં છે.કારણ કે આ એક એવો કરાર છે જેની સીધી અસર સંરક્ષણ,વેપાર અને રાજકીય કૂટનીતિ પર પડશે.ચાલો સમજીએ કે ભારત માટે આ કરાર કેમ આટલો મહત્વનો છે અને સ્ટ્રેટ ઓફ મલક્કાનું વ્યૂહાત્મક મહત્વ કેમ આટલું વધારે છે? શું ભારત હવે ઈન્ડોનેશિયા સાથે મળીને પોતાનું હોર્મુજ બનાવી રહ્યો છે?

સબાંગ પોર્ટ: હિંદ મહાસાગરની રણનીતિનો સૌથી મહત્વનું મહોરુ

ભારતની વિદેશ નીતિ અને વ્યૂહાત્મક ગણતરીઓમાં સબાંગ પોર્ટનું મહત્વ એક કિંમતી મહોરા જેવું છે.આ બંદર ભારત માટે સુરક્ષા, વેપાર અને કૂટનીતિ ત્રણેય મોરચે અત્યંત ખાસ છે.સુરક્ષાની વાત કરીએ તો આ કરારને ચીનની દુખતી રગ પર હાથ રાખવા સમાન માનવામાં આવે છે.વિશ્વનો એક અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ મલક્કા છે.તે દરિયાના એક ખૂબ જ સાંકડા હાઈવે જેવો છે જેનો સૌથી સાંકડો ભાગ માત્ર 2.8 કિલોમીટર પહોળો છે.અંદામાન અને નિકોબાર ટાપુઓથી સબાંગ પોર્ટનું અંતર માત્ર 90 નોટિકલ માઈલ એટલે કે આશરે 170 કિ.મી જેટલું છે. 

મલક્કા પોર્ટ

દુશ્મનનો દુશ્મન મિત્ર: ચીનને મોટો ઝટકો

ભારત અંદામાન નિકોબાર ટાપુઓને પણ એક મોટા ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે વિકસાવી રહ્યું છે.સબાંગ અને અંદામાન વચ્ચે સીધો વેપાર સંપર્ક થવાથી ભારતના દરિયાઈ વેપારનો સમય અને ખર્ચ બંનેમાં ધરખમ ઘટાડો થશે.પરંતુ સબાંગ પોર્ટનું સૌથી મહત્વનું પાસું રાજકીય કૂટનીતિ છે.આંતરરાષ્ટ્રીય રાજકારણનો નિયમ છે કે દુશ્મનનો દુશ્મન મિત્ર હોય છે.દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરીથી ઇન્ડોનેશિયા પણ પરેશાન રહે છે.ઇન્ડોનેશિયા વર્ષોથી તટસ્થ રહ્યું હતું એટલે કે તે કોઈ મોટા દેશની સેનાને ત્યાં પગપેસારો કરવા દેતું ન હતું.પરંતુ ભારત સાથે મળીને તેણે આ નીતિમાં થોડો બદલાવ કર્યો અને સબાંગ પોર્ટ વિકસાવવાની જવાબદારી ભારતને સોંપી.

સુરક્ષા, વેપાર અને કૂટનીતિ ત્રણેય મોરચે મોટો ફાયદો

ભારત સરકારની એક્ટ ઈસ્ટ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય તેના પૂર્વી પાડોશી દેશો સાથે સંબંધો મજબૂત કરવાનો છે.ઇન્ડોનેશિયા સાથેની આ ડીલ ભારતને આ સમગ્ર વિસ્તારનો મોટો રક્ષક અથવા નેટ સિક્યુરિટી પ્રોવાઈડર બનાવી દે છે.ભારત પર ઇન્ડોનેશિયાનો આ કૂટનીતિક વિશ્વાસ સમગ્ર એશિયામાં શક્તિનું સંતુલન સ્થાપિત કરે છે.સબાંગ પોર્ટ એ દરિયાની લહેરો પર ખેંચાયેલી એક એવી લકીર છે જ્યાં ભારત અને ઇન્ડોનેશિયાએ સાથે મળીને ચીનની દરેક ચાલને નિષ્ફળ બનાવવા માટે એક મજબૂત વ્યૂહ રચ્યો છે.

સબાંગ પોર્ટ

દરિયા પાર ભારતની નવી વ્યૂહરચના

આ માત્ર બે દેશો વચ્ચેનો કરાર નથી પરંતુ 21મી સદીના બદલાતા ભારતની એ ગહન વિચારસરણીનું પ્રતીક છે જે હવે માત્ર પોતાના તટની રક્ષા નથી કરતું પરંતુ દરિયા પાર જઈને પોતાની સુરક્ષાની પાયાની ઈંટો ગોઠવે છે.સબાંગ પોર્ટના સંયુક્ત વિકાસ પરની આ સહમતીએ ભારત-ઇન્ડોનેશિયાના સંબંધો પર કૂટનીતિની મહોર લગાવી દીધી છે.આવનારા સમયમાં જ્યારે ગ્રેટ નિકોબારનો મેગા પોર્ટ અને સબાંગ પ્રોજેક્ટ સાથે મળીને કામ કરશે.ત્યારે હિંદ મહાસાગરના ઈતિહાસનો એક નવો અધ્યાય લખાશે.એક એવો અધ્યાય જ્યાં વેપાર સુરક્ષિત હશે કૂટનીતિ મજબૂત હશે અને ભારતીય નૌકાદળ હિંદ મહાસાગરના સૌથી મોટા રક્ષક તરીકે ઉભરી આવશે.

શું કહે છે એક્સપર્ટ? 

આ અંગે ડિપ્લોમેટ સેવાનિવૃત્ત અધિકારી જે. કે. ત્રિપાઠીએ કહ્યું હતું કે, સ્ટ્રિંગ ઓફ પર્લ્સ એટલે કે મોતીઓની માળા જેવી વ્યૂહાત્મક અને લશ્કરી નીતિ અપનાવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના પ્રભુત્વને ઓછું કરવાનો અને ભારતને ચારેય બાજુથી દરિયાઈ સરહદો દ્વારા ઘેરવાનો છે. જેવી રીતે મોતીઓની માળા ગળાને ચારેય તરફથી ઘેરી લે છે બરાબર તેવી જ રીતે ચીન ભારતના પાડોશી દેશોમાં વ્યાપારી બંદરો, એરપોર્ટ અને લશ્કરી થાણાઓ વિકસાવીને ભારતની આસપાસ એક ચક્રવ્યૂહ રચી રહ્યું છે. ભારતે ચીનને ઘેરવા માટે અનેક પ્રકારની નીતિ અપનાવી છે. નેકલેસ ઓફ ડાયમંડ્સ એટલે કે હીરાનો હારએ ચીનની સ્ટ્રિંગ ઓફ પર્લ્સ નીતિનો સામનો કરવા માટે ભારત દ્વારા અપનાવવામાં આવેલી એક અત્યંત પ્રભાવશાળી અને વ્યૂહાત્મક વળતી નીતિ છે.ચીન જેમ બંદરો વિકસાવીને ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમ ભારતે પણ ચીનની આસપાસ પોતાના વ્યૂહાત્મક મથકો અને મિત્ર દેશોનો એક આખો હીરાનો હાર તૈયાર કરી દીધો છે. 


આ પણ વાંચોઃ Pinaka Rocket Test: ભારતીય સેનાની તાકાતમાં વધારો, DRDOએ પિનાકા લોંગ રેન્જ રોકેટનું કર્યું સફળ પરીક્ષણ