દવા બનાવતી કંપનીઓની કામગીરી અને દવાઓની ગુણવત્તા પર નજર રાખવાની જવાબદારી સરકારી તંત્રની છે. પરંતુ આ તપાસને ડિજિટલ અને પારદર્શક બનાવવાના પ્રયાસમાં જ વિલંબ થઈ રહ્યો છે. SUGAM Labs પોર્ટલ સાથે જોડાવા માટે આગળ આવેલા 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી માત્ર 5એ જ નોંધણીની પ્રક્રિયા પૂરી કરી છે. બાકીના 11 હજુ જોડાયા નથી. આ પોર્ટલનો હેતુ દવાઓના નમૂના એકત્ર કરવાથી લઈને લેબોરેટરીમાં તપાસ અને પરિણામ સુધીની સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ બનાવવાનો છે. કયા નમૂનાની તપાસ થઈ, કઈ લેબોરેટરીમાં થઈ અને તેનું પરિણામ શું આવ્યું, તેની માહિતી એક જ પ્લેટફોર્મ પર મળી શકે છે. આમ છતાં 11 રાજ્યોનું હજુ સુધી સંપૂર્ણ રીતે ન જોડાવું સરકારી દેખરેખની વ્યવસ્થા સામે સવાલ ઊભા કરે છે. 

પોર્ટલથી દૂર રહેવાનો ફાયદો કોને?

અહીં સૌથી મોટો સવાલ એ છે કે દવાઓની ગુણવત્તા લોકોના સ્વાસ્થ્ય સાથે સીધી રીતે જોડાયેલી હોવા છતાં 11 રાજ્યોમાં આ ડિજિટલ વ્યવસ્થા હજુ સંપૂર્ણ રીતે અમલમાં કેમ નથી આવી? શું રાજ્યના દવા નિયંત્રણ વિભાગો પાસે જરૂરી ટેકનિકલ સુવિધાઓનો અભાવ છે કે પછી વહીવટી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે? ડિજિટલ દેખરેખ નબળી હોય તો નમૂનાઓની તપાસ, પરિણામોની નોંધણી અને તેના આધારે લેવાતી કાર્યવાહી પર એકસાથે નજર રાખવી મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં દવા બનાવતી કંપનીઓ સામેની કાર્યવાહી કેટલી ઝડપથી થાય છે અને તેની જવાબદારી કોણ લે છે તેવા સવાલો પણ ઊભા થાય છે.

શું આ વિલંબથી કેટલીક કંપનીઓને ફાયદો થઈ શકે છે? શું સરકારી તંત્ર અને દવા ઉત્પાદકો વચ્ચેની કામગીરીની તપાસ પૂરતી પારદર્શક છે? આ સવાલોની તપાસ જરૂરી છે. જોકે, પોર્ટલ સાથે જોડાવામાં વિલંબને સાંઠગાંઠનો પુરાવો માની શકાય નહીં.

WhatsApp Image 2026-11-10 at 9.04.43 PM

સપ્ટેમ્બરમાં 330 દવાઓના નમૂના નિષ્ફળ

દવાઓની ગુણવત્તા અંગેના આંકડા પણ ચિંતા વધારનારા છે. CDSCOના આંકડા પ્રમાણે, જૂન 2026માં ગુણવત્તાની કસોટીમાં નિષ્ફળ ગયેલા 159 નમૂના નોંધાયા હતા. જુલાઈમાં આ સંખ્યા વધીને 280 થઈ હતી. ઓગસ્ટમાં 220 અને સપ્ટેમ્બરમાં 330 નમૂના નિષ્ફળ જાહેર થયા હતા. આ ચાર મહિનામાં સપ્ટેમ્બરનો આંકડો સૌથી વધુ રહ્યો હતો. સપ્ટેમ્બરમાં નિષ્ફળ જાહેર થયેલા 330 નમૂનાઓમાંથી 288 નમૂના રાજ્યની દવા પરીક્ષણ પ્રયોગશાળાઓ દ્વારા નિષ્ફળ જાહેર કરાયા હતા. આવી દવાઓને 'નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી' (NSQ) કહેવામાં આવે છે. એટલે કે, આ દવાઓના પરીક્ષણ કરાયેલા નમૂના નક્કી કરાયેલા ગુણવત્તાના ધોરણો પર ખરા ઊતર્યા નહોતા. 

સાંઠગાંઠ કે વહીવટી બેદરકારી?

જો કોઈ રાજ્યમાં ડિજિટલ પોર્ટલનો ઉપયોગ સંપૂર્ણ રીતે થતો ન હોય તો ત્યાં દવાઓની તપાસ અને તેના પરિણામોની દેખરેખ કેટલી અસરકારક છે તે તપાસવાનો વિષય છે. શું વિલંબ પાછળ ટેકનિકલ અને વહીવટી મુશ્કેલીઓ છે કે પછી જવાબદારી ટાળવાની વૃત્તિ? આ સવાલોના જવાબ સંબંધિત રાજ્યોના દવા નિયંત્રકો અને કેન્દ્ર સરકાર પાસેથી મળવા જરૂરી છે.

SUGAM Labs

C-DAC દ્વારા વિકસાવવામાં આવેલું SUGAM Labs પોર્ટલ કેન્દ્ર અને રાજ્યના દવા નિયામકો, ડ્રગ ઇન્સ્પેક્ટરો અને પરીક્ષણ લેબોરેટરીઓને એક જ ડિજિટલ વ્યવસ્થા સાથે જોડવા માટે બનાવાયું છે. તેનાથી નમૂનાઓની તપાસ, પરિણામો અને કાર્યવાહીનો રેકોર્ડ રાખવામાં સરળતા રહેવાની છે. હવે કેન્દ્રએ બાકીનાં રાજ્યોને ઝડપથી જોડાવા સૂચના આપી છે. પરંતુ માત્ર સૂચના આપવાથી કામ પૂરું નહીં થાય. પોર્ટલનો વાસ્તવિક અમલ અને ગુણવત્તામાં નિષ્ફળ દવાઓ સામે લેવાતી કાર્યવાહી પણ જાહેર દેખરેખ હેઠળ આવવી જરૂરી છે.

આ પણ વાંચો: CMIE Data: ભારતમાં રોજગાર દર કોરોના પછીના સૌથી નીચા સ્તરે