ખરીફ સીઝન દરમિયાન ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય તે માટે કેન્દ્ર સરકારે મોટાપાયે યુરિયા અને ડીએપી (ડાય-એમોનિયમ ફોસ્ફેટ)ની આયાત કરી છે. સરકારના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલથી જૂન) દેશમાં 25.08 લાખ ટન યુરિયા અને 7.11 લાખ ટન ડીએપીની આયાત કરવામાં આવી છે. આ સાથે ખેડૂતોને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવા માટે સ્થાનિક ઉત્પાદન પણ વધારવામાં આવ્યું છે.

71.55 લાખ ટન યુરિયા અને 9.84 લાખ ટન ડીએપીનો સમાવેશ

લોકસભામાં કેન્દ્રીય રાસાયણ અને ખાતર મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું કે એપ્રિલ-જૂન દરમિયાન દેશમાં કુલ 115.72 લાખ ટન ખાતરનું ઉત્પાદન થયું હતું. તેમાં 71.55 લાખ ટન યુરિયા અને 9.84 લાખ ટન ડીએપીનો સમાવેશ થાય છે. સરકારનું માનવું છે કે સ્થાનિક ઉત્પાદન અને આયાતના સંયોજનથી દેશમાં ખાતરની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખી શકાય છે. સરકારે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવરોધો અને એક જ દેશ પર વધુ નિર્ભરતા ટાળવા માટે નવા આયાત સ્ત્રોતો પણ વિકસાવ્યા છે. ચીન દ્વારા સ્પેશિયાલિટી ખાતરના નિકાસમાં ઘટાડો થતાં ભારતીય કંપનીઓએ બેલ્જિયમ, ઈજિપ્ત, જર્મની, મોરોક્કો અને અમેરિકા જેવા દેશોમાંથી વોટર સોલ્યુબલ ખાતરની ખરીદી વધારી છે.

ડીએપી અને એનપીકે ખાતરની આયાત માટે પણ સમજૂતી કરાઈ

ખાતરની લાંબા ગાળાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ભારતે સાઉદી અરેબિયા સાથે દર વર્ષે આશરે 31 લાખ ટન ડીએપી સપ્લાયનો કરાર કર્યો છે. ઉપરાંત રશિયા સાથે 26.50 લાખ ટન ડીએપી અને એનપીકે ખાતરની આયાત માટે પણ સમજૂતી કરવામાં આવી છે. મ્યુરિયેટ ઓફ પોટાશ (MOP)ની ઉપલબ્ધતા માટે રશિયા, જર્મની અને તુર્કમેનિસ્તાનમાંથી 4.80 લાખ ટન આયાત કરવાનો પણ નિર્ણય લેવાયો છે. નિષ્ણાતોના મતે સરકારની આ વ્યૂહરચનાથી ખરીફ તેમજ આગામી રવિ સીઝનમાં ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવો નહીં પડે અને વૈશ્વિક સપ્લાયમાં વિક્ષેપ આવે તો પણ દેશમાં ખાતરની ઉપલબ્ધતા જળવાઈ રહેશે.

આ પણ વાંચો : બ્લેક સીમાં વધતા ખતરા વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ભારતીય નાગરિકોને સાવધાની રાખવા કરી અપીલ