મહારાષ્ટ્રમાં મહિલા કેદીઓના પુનર્વસન માટે પહેલીવાર ખાસ Open Jail Colony બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ કોલોનીમાં પાત્ર મહિલા કેદીઓ પોતાનાં બાળકો અને પરિવાર સાથે રહી શકશે.

સાથે જ તેમને કામકાજ અને રોજગાર કરવાની તક મળશે, જેથી સજા પૂર્ણ થયા બાદ તેઓ સામાન્ય જીવનમાં સરળતાથી પાછા ફરી શકે.

આ પ્રોજેક્ટ માટે નાસિક અને છત્રપતિ સંભાજીનગરમાં બે સ્થળો પસંદ કરવામાં આવ્યાં છે. અહીં જૂના સ્ટાફ ક્વાર્ટર્સને રહેવા યોગ્ય બનાવવાની યોજના છે. આગામી વર્ષ એટલે કે 2027 સુધીમાં બંને કેન્દ્રો શરૂ કરવાનો પ્રયાસ છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બની સમિતિ

ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે રાજ્યોને નવી ઓપન અને સેમી-ઓપન જેલ શરૂ કરવા, જેલોમાં ખાલી જગ્યાઓ ભરવા અને પાત્ર કેદીઓના સ્થાનાંતરણ સહિતની વ્યવસ્થા સુધારવા સૂચના આપી હતી. ત્યારબાદ જૂનમાં મહારાષ્ટ્રમાં ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી.

આ સમિતિના અધ્યક્ષ બોમ્બે હાઈકોર્ટનાં જસ્ટિસ ભારતી ડાંગરે છે. તેમાં ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ રાધિકા રસ્તોગી અને જેલ તથા સુધારાત્મક સેવાઓના ADG સુહાસ વારકેનો સમાવેશ થાય છે.

સમિતિ એવી મહિલા કેદીઓની ઓળખ કરશે, જેઓ જેલમાં જવાને કારણે પરિવારથી અલગ થઈ ગઈ છે અથવા જેમના પરિવારજનો તેમની સાથે નવી જગ્યાએ રહેવા તૈયાર છે. માતા જેલમાં હોવાથી બાળગૃહમાં રહેતાં બાળકોને પણ માતા સાથે રહેવાની તક મળશે અને તેઓ નજીકની શાળામાં અભ્યાસ કરી શકશે. કેદીઓની સંખ્યા નક્કી થયા બાદ તેમના માટે નોકરી અને રોજગારની તકો શોધવામાં આવશે.

મહારાષ્ટ્રમાં 19 ઓપન જેલ, મહિલાઓ માટે માત્ર બે

'પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઑફ ઇન્ડિયા 2024'ના આંકડા પ્રમાણે, દેશમાં કુલ 103 ઓપન જેલ છે, જેમાંથી 19 મહારાષ્ટ્રમાં આવેલી છે. જોકે, મહિલાઓ માટે રાજ્યમાં માત્ર બે સુવિધા છે. એક યરવડા મહિલા જેલમાં અને બીજી અકોલામાં આવેલી છે.

ઓપન જેલમાં કેદીઓને કેવી છૂટ મળે છે?

મોડલ પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ સર્વિસિસ એક્ટ, 2023 મુજબ ઓપન જેલ એવી સુધારાત્મક સંસ્થા છે, જ્યાં પાત્ર કેદીઓને સામાન્ય જેલ કરતાં વધુ સ્વતંત્રતા આપવામાં આવે છે. તેનો હેતુ કેદીઓને સજા પૂર્ણ થયા બાદ સમાજમાં ફરીથી ભળવા અને સામાન્ય જીવન શરૂ કરવા તૈયાર કરવાનો છે.

- કેદીઓને ઓછી દેખરેખ હેઠળ કામ કરવાની છૂટ મળે છે.

- મહારાષ્ટ્રમાં હાલમાં આવી સુવિધાઓ સામાન્ય જેલના પરિસરમાં અલગ બેરેક અથવા જગ્યામાં ચલાવવામાં આવે છે.

- કેદીને ઓપન જેલમાં મોકલવાનો નિર્ણય તેની ભોગવેલી સજા, જેલમાં વર્તન અને ગુનાના પ્રકારના આધારે લેવાય છે.

- કેદીઓ જેલનાં ખેતરો અથવા આસપાસના વિસ્તારોમાં કામ કરી શકે છે, પરંતુ સાંજ કે રાત થતાં જેલમાં પાછા ફરવું પડે છે.

સામાન્ય જેલોની સરખામણીએ ઓપન જેલોમાં કેદીઓની ભીડ ઓછી છે. અહીં ઓક્યુપન્સી રેટ માત્ર 57.8 ટકા હોવાનું જણાવાયું છે.

સાંગાનેર અને આટપાડી મોડલનો અભ્યાસ

મહારાષ્ટ્રની સમિતિ રાજસ્થાનની સાંગાનેર ઓપન જેલ જેવા સફળ મોડલનો અભ્યાસ કરી રહી છે. વર્ષ 1963માં શરૂ થયેલી આ જેલમાં મહિલાઓ સહિત 400થી વધુ કેદીઓ પરિવાર સાથે રહે છે. તેઓ કરિયાણાની દુકાન જેવા વ્યવસાય કરે છે, વીજળી-પાણીનાં બિલ જાતે ભરે છે અને 'બંદી પંચાયત' દ્વારા કોલોનીનું સંચાલન પણ કરે છે.

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આવેલી આટપાડી ઓપન કોલોની પણ આવું જ ઉદાહરણ છે. 57 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી આ કોલોનીમાં કેદીઓને પરિવાર સાથે રહેવા અને ખેતી કરવાની મંજૂરી છે.

જોકે, અન્ય વિસ્તારોમાં આ મોડલ શરૂ કરવામાં મુશ્કેલી આવી છે. દૂર રહેતા કેદીઓના પરિવારજનો નવી જગ્યાએ સ્થળાંતર કરવા તૈયાર થતા નથી. કેટલાક પુરુષ કેદીઓ પણ પરિવારને સાથે રાખવામાં સંકોચ અનુભવે છે.

મહિલા કેદીઓથી જ શરૂઆત કેમ?

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, જેલમાં ગયા બાદ ઘણી મહિલાઓને પરિવાર અને ખાસ કરીને સાસરિયાં તરફથી સહકાર મળતો નથી. ઘરેલુ વિવાદો સાથે જોડાયેલા કેસોમાં ઘણી મહિલાઓને પરિવારજનો છોડી દે છે. આવી સ્થિતિમાં તેમના પુનર્વસન માટે પરિવારનો સાથ અને રોજગારની તક ખૂબ જરૂરી બને છે.

ઓપન જેલ કોલોનીમાં મહિલાઓ સજા દરમિયાન જ પરિવાર સાથે રહી શકશે, બાળકોની સંભાળ રાખી શકશે અને કામ કરીને આર્થિક રીતે સ્વાવલંબી બની શકશે. આ રીતે સજા પૂર્ણ થાય તે પહેલાં જ તેમના પુનર્વસનની પ્રક્રિયા શરૂ થઈ શકશે.

સવાલ-જવાબમાં જાણો સમગ્ર પ્રોજેક્ટ

સવાલ: મહિલા ઓપન જેલ કોલોની ક્યાં બનશે?

જવાબ: નાસિક અને છત્રપતિ સંભાજીનગરમાં બે સ્થળો પસંદ કરાયાં છે. જૂના સ્ટાફ ક્વાર્ટર્સનો ઉપયોગ કરવામાં આવશે.

સવાલ: પ્રોજેક્ટની જવાબદારી કોની પાસે છે?

જવાબ: જસ્ટિસ ભારતી ડાંગરેના અધ્યક્ષપદ હેઠળની ત્રણ સભ્યોની સમિતિ આ પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે. તેમાં રાધિકા રસ્તોગી અને ADG સુહાસ વારકે પણ સામેલ છે.

સવાલ: મહિલાઓને કઈ સુવિધાઓ મળશે?

જવાબ: પાત્ર મહિલા કેદીઓ બાળકો અને પરિવાર સાથે રહી શકશે, કામ કરી શકશે અને રોજગાર મેળવી શકશે.

સવાલ: ઓપન જેલ સામાન્ય જેલથી કેવી અલગ છે?

જવાબ: અહીં કેદીઓને ઓછી દેખરેખ હેઠળ કામ કરવાની અને નિયમો પ્રમાણે બહાર જવાની વધુ સ્વતંત્રતા મળે છે.

સવાલ: શું મહારાષ્ટ્રમાં આવું મોડલ પહેલેથી છે?

જવાબ: હા, સાંગલીની આટપાડી ઓપન કોલોનીમાં કેદીઓ પરિવાર સાથે રહીને ખેતી કરી શકે છે.

સવાલ: આ પહેલ મહિલાઓથી જ કેમ શરૂ થઈ રહી છે?

જવાબ: જેલમાં ગયા બાદ ઘણી મહિલાઓને પરિવારનો સહકાર મળતો નથી. તેથી તેમના પુનર્વસન અને રોજગાર માટે ખાસ વ્યવસ્થા કરવાની યોજના છે.

સવાલ: આ કોલોની ક્યારે શરૂ થશે?

જવાબ: સમિતિનો પ્રયાસ છે કે બંને કેન્દ્રો 2027 સુધીમાં શરૂ કરવામાં આવે.

આ પણ વાંચો : https://sandesh.com/d