લખનૌથી બેંગલુરુ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E231 બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ થવાની તૈયારીમાં હતી, ત્યારે જ ક્રૂ મેમ્બર્સને વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકીના સમાચારથી જ મુસાફરો ચિંતિત થયા હતા. પરંતુ સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને પાઇલટે સવારે ૯:૪૦ વાગ્યે વિમાનનું એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ કરાવ્યું હતું. લેન્ડિંગ બાદ તુરંત જ સુરક્ષા એજન્સીઓ અને એરપોર્ટ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
બોમ્બની ધમકીની સઘન તપાસ શરૂ
સુરક્ષા પ્રોટોકોલ (SOPs) હેઠળ એજન્સીઓ દ્વારા વિમાનના આંતરિક ભાગ, પેસેન્જર સામાન અને અન્ય સંવેદનશીલ વિસ્તારોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તારણ મુજબ ઇન્ડિગો ફલાઈટ 6E231ને મળેલ ધમકી અફવા કે ખોટી હોવાની આશંકા છે. છતાં અધિકારીઓ કોઈપણ જોખમ લીધા વિના સંપૂર્ણ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમામ સાવચેતી રાખી રહ્યા છે. વિમાનના આંતરિક ભાગ, તેમજ સામાન અને અન્ય મહત્વપૂર્ણ વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફલાઈટ બીજી ઉડાન નહી ભરે.
