ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) છેલ્લા કેટલાક દિવસોથી એક્શન મોડમાં છે. ફૂડને લઇને હોટલ , રેસ્ટોરન્ટ વગેરે જગ્યાઓ પર કાર્યવાહી કરવામા ંઆવી રહી છે. ત્યારે હવે ઓનલાઇન વેચાતા ફૂડ પ્રોડક્ટ પર પણ હવે સકંજો કસ્યો છે. 

એમેઝોન.. ફ્લિપકાર્ટ સહિત.. નોટિસ ફટકારી માગ્યો જવાબ 

વિભાગ ફૂડને લઇને ખોટા દાવાઓ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. ગુરુવારે, FSSAI એ ડૉ. રેડ્ડીઝ, નેસ્લે હેલ્થ સાયન્સિસ, તિરુપતિ વેલનેસ, એમેઝોન, ફ્લિપકાર્ટ અને નેટમેડ્સને નોટિસ ફટકારી છે. આ કંપનીઓ પર પ્રોટીન વિશે ખોટા દાવા કરતી પ્રોડક્ટ્સ વેચવાનો આરોપ છે આ કંપનીઓ એવા ઉત્પાદનો વિશે ગેરમાર્ગે દોરનારા સ્વાસ્થ્ય દાવાઓ કરી રહી છે જે પ્રોટીન વધારવા અને સ્નાયુ સમૂહ જાળવવામાં મદદરૂપ હોવાનું કહેવાય છે.

fssai

ગેરમાર્ગે દોરતા પ્રોડક્ટના વેચાણ અંગે ફટકારી નોટિસ 

ઘણા મહિનાઓથી કાર્યવાહી ચાલી રહી છે જેમાં અસંખ્ય મોટી અને નાની કંપનીઓ અને રેસ્ટોરન્ટ્સને નિશાન બનાવવામાં આવી છે. આ કંપનીઓ પર ખોટા દાવાઓ અને ખોટી માહિતી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ નવીનતમ કાર્યવાહીમાં FSSAI એ કંપનીઓને તેમના ઉત્પાદનો પર કરવામાં આવેલા પ્રોટીન અને સ્નાયુ દાવાઓનો આધાર સમજાવવા કહ્યું છે. તેણે એ પણ પૂછ્યું છે કે શું આ દાવાઓ ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન કરે છે.

 પ્રમોટ માટે સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા સામે લાલ આંખ

આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે FSSAI "સ્વસ્થ," "પ્રોટીનથી ભરપૂર," "ખાંડ રહિત," અને "100% કુદરતી" જેવા ખાદ્ય ઉત્પાદનો પર કરવામાં આવેલા દાવાઓની ચકાસણી વધારી રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં, ઘણી કંપનીઓને આવા દાવાઓ અને લેબલિંગ અંગે નોટિસ ફટકારવામાં આવી છે. તાજેતરમાં, વિભાગે ડાબર સામે પણ આવી જ કાર્યવાહી કરી હતી. ઘણી અન્ય કંપનીઓ સામેની આ કાર્યવાહી બાદ, કંપનીઓએ પણ તેમના ઉત્પાદન પેકેજિંગમાં સુધારો કર્યો છે.

fssai

FSSAI દ્વારા આ કાર્યવાહીનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કંપનીઓ તેમના ઉત્પાદનોને પ્રમોટ કરવા માટે ગેરમાર્ગે દોરતા સ્વાસ્થ્ય લાભના દાવા ન કરે જે યોગ્ય રીતે સાબિત ન થાય. આનો હેતુ ગ્રાહકોને ખોટી માહિતીના આધારે ઉત્પાદનો ખરીદવાથી રોકવાનો છે.