ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર, ડબરાની તરફ ગંગનાની નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ઇનોવા કાર પરથી ચાલકનું નિયંત્રણ ગુમાવાતા તે સીધી નદીમાં ખાબકી હતી. અત્યાર સુધીમાં ચાર મૃતદેહો મળી આવ્યા છે, અને બાકીના મુસાફરોની શોધખોળ ચાલુ છે. કારમાં સવાર તમામ લોકો ગુજરાતના હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતના શ્રદ્ધાળુઓની કાર ખાબકી નદીમાં
અકસ્માતની જાણ થતાં જ પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને ઈમરજન્સી સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ ટીમોએ નદીના કિનારેથી ચાર મૃતદેહો બહાર કાઢ્યા છે. વાહનમાં સવાર અન્ય મુસાફરોની શોધ માટે હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. નદીના પ્રવાહના જોરદાર વેગ વચ્ચે આ શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
