છત્તીસગઢના સરગુજા જિલ્લામાં એક પરિવારની દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. અહીં બે વર્ષના બાળકના મોઢામાં જ ‘લસણ’ ફટાકડો ફૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

તહેવારોની મોસમમાં ઘરમાં ખુશીઓ અને રોશની છવાઈ જાય છે, પરંતુ ક્યારેક નાની બેદરકારી પણ એવી દુર્ઘટનાને જન્મ આપે છે, જેનો ઘા પરિવાર આખી જિંદગી ભૂલી શકતો નથી.

છત્તીસગઢના સરગુજા જિલ્લામાંથી આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક અહેવાલ મુજબ, આ ઘટના સીતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નવાપારા ગામની છે. બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, પરંતુ તેને બચાવી શકાયું નહોતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સમયે બાળક પાડોશના એક અન્ય બાળક સાથે રમી રહ્યું હતું. પાડોશી બાળક ‘લસણ’ પોપ-પોપ બોમ્બ ફોડી રહ્યું હતું.

શું હોય છે ‘લસણ’ બોમ્બ?

‘લસણ’ બોમ્બને એવી રીતે બનાવવામાં આવે છે કે તેને જમીન પર પછાડવાથી ઘર્ષણ અથવા દબાણને કારણે વિસ્ફોટ થાય છે અને જોરદાર અવાજ આવે છે. બે વર્ષના બાળકે આ ફટાકડાનું નાનું પેકેટ મોઢામાં મૂકતાં જ દબાણને કારણે તેમાં વિસ્ફોટ થયો હતો. આ ભયાનક ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 11 નવેમ્બરની રાત્રે બાળકનું મોત થયું હતું. પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

બાળકના પિતાએ શું કહ્યું?

બાળકના પિતા ઇન્દ્રજીત માંઝીએ PTIને આપેલી માહિતીમાં જણાવ્યું કે તેમનો પુત્ર બીજા બાળક સાથે રમી રહ્યો હતો, જે ‘લસણ’ બોમ્બ ફોડી રહ્યું હતું. આ દરમિયાન તેમના પુત્રએ જમીન પર પડેલું ફટાકડાનું એક નાનું પેકેટ ઉઠાવીને મોઢામાં મૂકી દીધું હતું.

ત્યારબાદ મોઢામાં જ ફટાકડો ફૂટી ગયો હતો. તેના કારણે બાળકના પેઢાંને ગંભીર ઈજા થઈ હતી અને મોઢામાંથી લોહી વહેવા લાગ્યું હતું. પિતાના જણાવ્યા મુજબ, બાળકના મોઢામાં કયો ફટાકડો ગયો હતો તે તેઓ જોઈ શક્યા નહોતા.

બીજા દિવસે ફરી હોસ્પિટલ લઈ જવું પડ્યું

પિતાએ જણાવ્યું કે 9 નવેમ્બરે તેઓ બાળકને નજીકના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. લોહી વહેવાનું બંધ થતાં તેઓ બાળકને ઘરે લઈ આવ્યા હતા.

જોકે, બીજા જ દિવસે બાળકની તબિયત બગડવા લાગી અને ફરીથી લોહી વહેવા લાગ્યું. ત્યારબાદ તેને ફરી ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યું. 11 નવેમ્બરે બાળકને અંબિકાપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં તે જ રાત્રે તેનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૉક્ટરોએ બાળકના ગળા અને શ્વાસનળીની અંદર ફટાકડાના અવશેષો મળી આવ્યા હોવાની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો : https://sandesh.com/d