પટણામાં રવિવારે યોજાયેલી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં બિહારની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો. બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા. આ બેઠકની અધ્યક્ષતા RJDના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે કરી હતી.
લાલુ પ્રસાદ યાદવના વધતા વયના કારણે આ નિર્ણય
લાલુ પ્રસાદ યાદવના વધતા વય અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ટીના સૂત્રો અનુસાર, આ માત્ર પદની બદલી નથી પરંતુ RJDમાં પેઢી પરિવર્તનનો સ્પષ્ટ સંકેત છે. હવે પાર્ટીના દૈનિક નિર્ણયો અને રાજકીય દિશા નિર્ધારણમાં તેજસ્વી યાદવની ભૂમિકા વધુ મજબૂત બનશે.
દેશભરના 20થી વધુ પ્રદેશ પ્રમુખો
આ બેઠકમાં દેશભરના 20થી વધુ પ્રદેશ પ્રમુખો, રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો, ધારાસભ્યો, MLC અને સાંસદોએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન સંગઠનને મજબૂત બનાવવા, આવનારી ચૂંટણીની રણનીતિ અને રાજ્ય તેમજ દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
RJDની પહેલી મોટી બેઠક
વિધાનસભા ચૂંટણી બાદ આ RJDની પહેલી મોટી બેઠક હતી. ચૂંટણીમાં અપેક્ષા મુજબ પરિણામ ન મળતા પાર્ટીએ આત્મમંથન શરૂ કર્યું છે. આરજેડીના પ્રદેશ પ્રમુખ મંગણીલાલ મંડલે તેજસ્વી યાદવને સંગઠન સંબંધિત વિગતવાર રિપોર્ટ સુપરત કર્યો છે. આ રિપોર્ટના આધારે આશરે 300 જેટલા પાર્ટી નેતાઓ અને કાર્યકરો સામે શિસ્તભંગની કાર્યવાહી થવાની શક્યતા છે.
નવા ચહેરાઓને બીજા પદ પર તક આપવાની ચર્ચા
બેઠકમાં પ્રદેશ પ્રમુખો અને મહાસચિવના હોદ્દા પર પણ ફેરફાર અથવા નવા ચહેરાઓને તક આપવાની ચર્ચા થઈ હોવાનું મનાય છે. નવેમ્બર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તેજસ્વી યાદવે શનિવારે પહેલીવાર પાર્ટી કાર્યાલયની મુલાકાત લીધી હતી, જે તેમના સક્રિય નેતૃત્વની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.
RJDમાં આંતરિક ચર્ચાઓ
આ બેઠક પહેલા RJDમાં આંતરિક ચર્ચાઓ પણ તેજ થઈ હતી. લાલુ યાદવની પુત્રી અને તેજસ્વીની બહેન રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેજસ્વીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે પાર્ટીના મોટા ભાગના નેતાઓએ તેજસ્વી યાદવના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો અને એકતા દર્શાવી.
https://twitter.com/journalistspsc/status/2015338001946304763
નીતિશ કુમાર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો
બેઠક બાદ તેજસ્વી યાદવે નીતિશ કુમાર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે બિહારમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે સરકારને જવાબદાર ઠેરવી. તેજસ્વીએ આરોપ લગાવ્યો કે સરકાર ગુનાઓ પર નિયંત્રણ લાવવા બદલે રાજકીય પ્રચારમાં વ્યસ્ત છે. બીજી તરફ, JDUના પ્રવક્તા નીરજ કુમારે તેજસ્વીના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા તેમની ટીકા કરી હતી.
આ પણ વાંચો :