જો તમે સોના-ચાંદીમાં રોકાણ કરવાનું કે ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો થોડીવાર માટે અટકી જવું જોઈએ. સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે, કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સતત ત્રણ દિવસ સુધી ઘટી રહેલી ચાંદી હવે મોંઘી થઈ ગઈ છે, જ્યારે સોનાના ભાવમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બજાર ખુલતાની સાથે જ આ ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો.
સોનામાં તેજી
ગુરુવારે સોનાના વાયદા ભાવમાં (Gold Futures) મોટો ઉછાળો આવ્યો હતો. MCXના ડેટા મુજબ, અગાઉના ટ્રેડિંગ સેશનમાં 24 કેરેટ સોનું (4 ડિસેમ્બરની એક્સપાયરી માટે) 10 ગ્રામ દીઠ ₹145848 પર બંધ થયું હતું. જોકે, આજે તે ₹147650 પર ખુલ્યું. જેમાં એકાએક ₹1802નો વધારો થયો છે.
ત્રણ દિવસનો ઘટાડો અટક્યો
ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહની શરૂઆતથી જ સોનાના વાયદા ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, એટલે કે શુક્રવારે ₹151499 પર બંધ થયા બાદ, આ સપ્તાહના પ્રથમ ત્રણ દિવસમાં સોનાના વાયદા ભાવ ઘટીને ₹145848 પર આવી ગયા હતા. આમ, ત્રણ દિવસમાં ૧૦ ગ્રામ દીઠ ₹5651નો ઘટાડો નોંધાયો હતો, પરંતુ ગુરુવારે આ ઘટાડાનો ક્રમ અટકી ગયો છે.

ચાંદીના ભાવમાં પણ ફેરફાર
માત્ર સોનાના ભાવમાં જ વધારો થયો છે એવું નથી. ગુરુવારે ચાંદીના વાયદા ભાવમાં પણ ઉછાળો આવ્યો છે, જોકે સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં વધારાની ગતિ ધીમી રહી હતી. અગાઉના ટ્રેડિંગ સેશનમાં, MCX પર 1 કિલો ચાંદી (4 ડિસેમ્બરની એક્સપાયરી માટે) ₹208338 પર બંધ થઈ હતી. આજે બજાર ખુલતાની સાથે જ આ કિંમતી ધાતુનો ભાવ પ્રતિ કિલો ₹209950 પર પહોંચી ગયો છે.

તેજી છતાં ચાંદી તેના સર્વોચ્ચ સ્તર કરતાં સસ્તી
ગુરુવારે વાયદા બજારમાં ચાંદીના ભાવમાં વધારો થયો હોવા છતાં, તે તેના અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર (all-time high) કરતાં ઘણી સસ્તી છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં ચાંદીના ભાવે પ્રથમ વખત ₹4 લાખનો ઐતિહાસિક આંક વટાવ્યો હતો, જેમાં MCX પર ચાંદીનો ભાવ ₹420048ની ટોચ પર પહોંચ્યો હતો. વર્તમાન ભાવની સરખામણીએ જોઈએ તો, તે હજુ પણ આ સર્વકાલીન ઉચ્ચ સ્તર કરતાં પ્રતિ કિલો ₹2.10 લાખ જેટલો ઓછો છે.
દેશના કેટલાક મોટા શહેરોમાં ગોલ્ડ રેટ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ સોનાની કિંમત | 22 કેરેટ સોનાની કિંમત |
| દિલ્હી | 1,47,590 | 1,35,300 |
| મુંબઈ | 1,47,440 | 1,35,150 |
કોલકાતા
| 1,47,440 | 1,35,150 |
| અમદાવાદ | 1,47,490 | 1,35,200 |
| સુરત | 1,47,490 | 1,35,150 |
ઝવેરી પાસેથી સોનું ખરીદતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો
માત્ર પ્રમાણિત સોનું જ ખરીદો: હંમેશાં 'બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ' (BIS)નું હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું જ ખરીદો. આ હોલમાર્ક કોડ આલ્ફાન્યૂમેરિક (અક્ષરો અને આંકડાઓનું મિશ્રણ) હોય છે. ઉદાહરણ તરીકે, AZ4524. હોલમાર્કિંગ સોનાની શુદ્ધતા (કેરેટ) દર્શાવે છે.
કિંમતની ચકાસણી કરો: ખરીદીના દિવસે સોનાનું વાસ્તવિક વજન અને તેની કિંમત વિવિધ સ્ત્રોતો (જેમ કે 'ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન'ની વેબસાઇટ) દ્વારા તપાસો. સોનાના ભાવ તેની શુદ્ધતા 24-કેરેટ, 22-કેરેટ અને 18-કેરેટના આધારે અલગ-અલગ હોય છે.
Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.