ભારતની આંતરિક સુરક્ષા અને સીમા સુરક્ષાને વધુ મજબૂત કરવાના હેતુથી કેન્દ્ર સરકાર એક મોટું પગલું ઉઠાવવા જઈ રહી છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) દ્વારા ગૃહ મંત્રાલયને એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ સુપરત કરવામાં આવ્યો છે, જેમાં 53 નવી બટાલિયન બનાવવાની મંજૂરી માંગવામાં આવી છે. આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ, વિવિધ સુરક્ષા દળોમાં આશરે 55,000 સૈનિકોની ભરતી માટેનો માર્ગ મોકળો થશે.
રાજ્યસભામાં અહેવાલ રજૂ કરાયો
તાજેતરમાં રાજ્યસભામાં ગૃહ બાબતોની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. રાધા મોહન દાસ દ્વારા 257મો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ મુજબ, વધતી જતી સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવી બટાલિયનોની રચના અનિવાર્ય છે. આ પ્રસ્તાવ હાલમાં ગૃહ મંત્રાલયના સક્રિય વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં તેના પર મહોર લાગવાની પૂરેપૂરી સંભાવના છે.
CRPF માં સૌથી મોટી ભરતી
કુલ 55,000 જગ્યાઓમાંથી સૌથી મોટો હિસ્સો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના ફાળે જશે. પ્રસ્તાવ મુજબ, CRPF માં 20 નવી બટાલિયન બનાવવામાં આવશે, જેના પરિણામે એકલા આ દળમાં જ 22,000 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. CRPF દેશમાં નક્સલવાદ વિરોધી કામગીરી અને આંતરિક કાયદો-વ્યવસ્થા જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, તેથી આ વધારાનું બળ અત્યંત મહત્વનું સાબિત થશે.
અન્ય દળોનું વિસ્તરણ
માત્ર CRPF જ નહીં, પણ સરહદ રક્ષકો એવા BSF, ITBP અને SSB માં પણ મોટા પાયે વિસ્તરણની યોજના છે.
BSF: બે વધારાના સેક્ટર અને 12 નવી બટાલિયન બનાવવાની યોજના છે.
SSB: એક નવું સેક્ટર અને 12 નવી બટાલિયન બનાવવાનો પ્રસ્તાવ છે.
આસામ રાઇફલ્સ: ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સુરક્ષા સઘન કરવા 5 નવી બટાલિયન માટે મંજૂરી મંગાઈ છે.
ITBP અને અન્ય: બાકીની 33,000 જગ્યાઓ પર ITBP સહિતના અન્ય દળોમાં ભરતી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ President Draupadi Murmu in Ayodhya: વિશ્વનું એક માત્ર શ્રી રામ યંત્ર, રાષ્ટ્રપતિએ કરી સ્થાપના, જાણો તેની ખાસિયત વિશે