ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. ટ્રેક્ટર-ટ્રોલી પર લાગેલો લાંબો સળિયો હાઈટેન્શન લાઇનને અડી જતાં અચાનક કરંટ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10 લોકો દાઝી જતાં તેમને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.
ગોરખપુરના ગુલરિહા પોલીસ સ્ટેશન વિસ્તારના અયોધ્યા પ્રસાદ ચૌહાણ ટોલા પાસે આ દુર્ઘટના બની હતી. આ વિસ્તારમાં સ્થાપિત દુર્ગા પ્રતિમાને વિસર્જન માટે ટ્રેક્ટર-ટ્રોલીમાં લઈ જવામાં આવી રહી હતી. ટ્રોલી પર એક લાંબો સળિયો લગાવવામાં આવી હતી. રસ્તામાં ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજલાઇન સાથે આ સળિયો અથડાયો હતો. પરિણામે ટ્રોલી પર સવાર લોકો કરંટની ઝપેટમાં આવી ગયા હતા.
