વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીપરિષદની મહત્વપૂર્ણ બેઠક યોજાશે.આ બેઠકમાં વિવિધ મંત્રાલયો દ્વારા પોતાના વિભાગના કામકાજનો અહેવાલ રજૂ કરવામાં આવશે.આ ઉપરાંત આગામી કાર્યો અને પ્રસ્તાવિત યોજનાઓ અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરાશે અને વડાપ્રધાનનું વિશેષ માર્ગદર્શન પણ પ્રાપ્ત થશે.
બ્રિટિશ રાજવી યુગલની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત
બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટે મિડલટન આવતીકાલે નવી દિલ્હી ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.આ શાહી યુગલ 16 નવેમ્બરથી ભારતની સત્તાવાર મુલાકાતે છે અને તેમના આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન આ યુગલે અગાઉ ગલી ક્રિકેટ રમવાની સાથે મુંબઈમાં યોજાયેલા અર્થશૉટ પ્રાઇઝ પુરસ્કાર સમારોહમાં પણ ઉત્સાહભેર હાજરી આપી હતી.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની ગુજરાત મુલાકાત
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આગામી 18 નવેમ્બરે ગુજરાતના વડનગર સ્થિત ઐતિહાસિક હાટકેશ્વર મંદિર ખાતે આયોજિત વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં વિશેષરૂપે સામેલ થશે.ગત 11 નવેમ્બરથી પ્રારંભ થયેલો આ ભવ્ય મહાયજ્ઞ આગામી 20 નવેમ્બર સુધી ચાલશે,જેમાં દેશભરમાંથી આવેલા 144 જેટલા વૈદિક વિદ્વાનો ભાગ લઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવનો રોડ શો
આવતીકાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગઢ ગણાતા ગેરખપુર ખાતે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ ભવ્ય રોડ શો યોજશે.તેઓ પોતાના ખાસ 'PDA રથ' પર સવાર થઈને આશરે 20 કિલોમીટર લાંબા ભવ્ય રોડ શો દ્વારા શક્તિ પ્રદર્શન કરશે.
ભાજપ અધ્યક્ષ નિતિન નવીનનો પંજાબ પ્રવાસ
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન નવીન આવતીકાલે પંજાબના પ્રવાસે રહેશે.તેઓ જાલંધર ખાતે સંત શિરોમણિ ગુરુ રવિદાસજી મહારાજની 650મી જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.આગામી 18 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી એટલે કે આશરે 16 દિવસ ચાલનારી આ યાત્રા જાલંધરથી શરૂ થઈને 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 2,402 કિલોમીટરનું અંતર કાપીને પવિત્ર નગરી કાશી ખાતે પહોંચશે.આ યાત્રા દરમિયાન કુલ 100 નાની સભાઓ અને 17 મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહનો જાપાન પ્રવાસ
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ આગામી 18થી 19 નવેમ્બર દરમિયાન જાપાનના સત્તાવાર પ્રવાસે રહેશે.તેઓ ટોક્યો ખાતે યોજાનારી ભારત-જાપાન દ્વીપક્ષિય વાર્તાના ચોથા સંસ્કરણની સહ અધ્યક્ષતા સંભાળશે.આ બેઠક દરમિયાન તેઓ જાપાનના રક્ષામંત્રી સાથે દ્વિપક્ષીય સુરક્ષા,રક્ષા તકનીક,દરિયાઈ સુરક્ષા , સંયુક્ત સૈન્ય અભ્યાસ અને ઔદ્યોગિક ભાગીદારીને વધુ મજબૂત કરવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે.
બંગાળની ખાડીમાં અકવાન વાવાઝોડાનું જોખમ
આગામી 18 નવેમ્બરે બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું અકવાન એક અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે અને 19 નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે તેવી સંભાવના છે.આ વાવાઝોડા દરમિયાન પવનની ઝડપ પ્રતિ કલાક 145 કિલોમીટર સુધી પહોંચી શકે છે, જેને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તમિલનાડુ અને તેલંગાણા સહિતના અનેક રાજ્યોમાં વહીવટી તંત્ર દ્વારા હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દેશ વિદેશની ઐતિહાસિક ઘટનાઓ
1727 જયપુર શહેરની સ્થાપના
મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીયે રાજસ્થાનમાં જયપુર શહેરની સ્થાપના કરી. આ શહેરની રચના વિદ્વાન અને વાસ્તુશાસ્ત્રી વિદ્યાધર ભટ્ટાચાર્ય દ્વારા કરવામાં આવી હતી.
1910 બટુકેશ્વર દત્તનો જન્મ
ભારતના જાણીતા ક્રાંતિકારી બટુકેશ્વર દત્તનો જન્મ થયો હતો. ભગતસિંહ સાથે તેમણે 1929માં કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંકીને અંગ્રેજ શાસન સામે વિરોધ નોંધાવ્યો હતો.
1945 મહાત્મા ગાંધીનો પ્રાકૃતિક ચિકિત્સા સાથેનો ઐતિહાસિક સંબંધ
મહાત્મા ગાંધીએ પુણેમાં ઓલ ઇન્ડિયા નેચર ક્યોર ફાઉન્ડેશન ટ્રસ્ટના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા અને આજીવન અધ્યક્ષ બન્યા હતા. આ દિવસની યાદમાં ભારતમાં 18 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા દિવસ મનાવવામાં આવે છે.
1962 રેઝાંગ લાની ઐતિહાસિક લડાઈ
ભારત-ચીન યુદ્ધ દરમિયાન લદ્દાખના રેઝાંગ લા વિસ્તારમાં 13 કુમાઉં રેજિમેન્ટના જવાનોએ અદભૂત શૌર્ય દર્શાવ્યું હતું. મેજર શૈતાનસિંહના નેતૃત્વમાં ભારતીય સૈનિકોએ ચીની સેનાનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. મેજર શૈતાનસિંહને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
1883 અમેરિકામાં ટાઇમ ઝોનની શરૂઆત
અમેરિકા અને કેનેડાની રેલવે કંપનીઓએ રેલવે વ્યવહાર સરળ બનાવવા માટે 4 પ્રમાણભૂત ટાઇમ ઝોન લાગુ કર્યા હતા.
1901 હે-પાઉન્સફોટે સંધિ
બ્રિટન અને અમેરિકાએ પનામા કેનાલના નિર્માણ સાથે જોડાયેલા મુદ્દે મહત્વપૂર્ણ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.
1903 પનામા કેનાલ અંગે સંધિ
અમેરિકા અને પનામા વચ્ચે હે-બુનાઉ-વારિયા સંધિ થઈ હતી. આ સંધિએ અમેરિકાને પનામા કેનાલ ઝોનમાં વિશેષ અધિકારો આપ્યા હતા.
1905 નોર્વેને મળ્યો નવો રાજા
ડેનમાર્કના પ્રિન્સ કાર્લ નોર્વેના રાજા બન્યા અને તેમણે હાકોન સાતમા નામ ધારણ કર્યું હતું.
મોટી હસ્તીઓના જન્મ અને મૃત્યુ
1901 વી. શાંતારામ
ભારતીય સિનેમાના જાણીતા ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા વી. શાંતારામનો જન્મ થયો હતો. 'દો આંખે બારહ હાથ', 'ઝનક ઝનક પાયલ બાજે' અને 'નવરંગ' જેવી ફિલ્મો માટે તેઓ જાણીતા છે.
1910 બટુકેશ્વર દત્ત
ભારતના ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની બટુકેશ્વર દત્તનો જન્મ થયો હતો. ભગતસિંહ સાથે 1929માં કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંકીને અંગ્રેજ શાસન સામે વિરોધ નોંધાવવા બદલ તેઓ જાણીતા છે.
1954 રંજન ગોગોઈ
ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈનો જન્મ થયો હતો. તેઓ ભારતના 46મા મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.
1979 નીતિ મોહન
જાણીતી ભારતીય પાર્શ્વગાયિકા નીતિ મોહનનો જન્મ થયો હતો. હિન્દી ફિલ્મ સંગીત ઉપરાંત તેમણે અનેક ભારતીય ભાષાઓમાં ગીતો ગાયાં છે.
1984 નયનતારા
દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી નયનતારાનો જન્મ થયો હતો. તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં તેમણે વિશેષ ઓળખ બનાવી છે.
1987 અપારશક્તિ ખુરાના
ભારતીય અભિનેતા, રેડિયો જોકી અને ટેલિવિઝન હોસ્ટ અપારશક્તિ ખુરાનાનો જન્મ થયો હતો.
1914 શિબલી નોમાની
ભારતના જાણીતા ઇસ્લામિક વિદ્વાન, ઇતિહાસકાર અને લેખક શિબલી નોમાનીએ અંતિમ શ્વાસ લીધા હતા.
1936 ચિદમ્બરમ પિલ્લઈ:
ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને વકીલ વલ્લિનાયગમ ઓલાગનાથન ચિદમ્બરમ પિલ્લઈનું અવસાન થયું હતું. અંગ્રેજોના દરિયાઈ વેપારના એકાધિકારને પડકારવા તેમણે સ્વદેશી સ્ટીમ નેવિગેશન કંપની શરૂ કરી હતી. તેમને 'કપ્પલોટ્ટિયા તમિઝન' તરીકે ઓળખવામાં આવે છે.
2013 એસ.આર.ડી. વૈદ્યનાથન
જાણીતા નાદસ્વરમ વાદક એસ.આર.ડી.વૈદ્યનાથનનું અવસાન થયું હતું. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
2014 સી.રુદ્રૈયા:
તમિલ ફિલ્મોના જાણીતા દિગ્દર્શક સી.રુદ્રૈયાનું અવસાન થયું હતું.તેમની ફિલ્મ 'અવલ અપ્પડિતાન' ખૂબ જાણીતી છે.