12 જૂનનો દિવસ દેશ અને દુનિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. રાજનીતિ, સુરક્ષા, અર્થતંત્ર, હવામાન અને ઇતિહાસની દ્રષ્ટિએ આજના દિવસે ઘણી મોટી ઘટનાઓ આકાર લઈ રહી છે. આવો જાણીએ 12 જૂનની તમામ મહત્વની અપડેટ્સ વિગતવાર...


અમિત શાહની હાઈ-લેવલ બેઠક

12 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં 'શ્રી અમરનાથ યાત્રા 2026' ના સુરક્ષા કવચ અને જમ્મુ-કાશ્મીરની વર્તમાન સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તરાખંડની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 12 અને 13 જૂનના રોજ ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે રહેશે. તેઓ દેહરાદૂન સ્થિત ઈન્ડિયન મિલિટરી એકેડમી (IMA) ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે.

પીયૂષ ગોયલનો સ્વિટ્ઝરલેન્ડ પ્રવાસ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ ભારત-સ્વિટ્ઝરલેન્ડ આર્થિક ભાગીદારીને મજબૂત કરવા અને ભારત-EFTA વેપાર કરારના અમલીકરણ અંગે ચર્ચા કરવા 12 જૂને સ્વિટ્ઝરલેન્ડ જશે.

CM યોગી આદિત્યનાથનો વારાણસી પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે 12 જૂનના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વારાણસીમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.

રાજ્યસભા ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ થવાના મામલે 12 જૂનના રોજ સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે.

તામિલનાડુના સીએમ જોસેફ વિજયની મંદિર મુલાકાત

તામિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય 12 જૂનના રોજ કોલ્લુર શ્રી મૂકાંબિકા મંદિરની મુલાકાત લઈને વિશેષ પૂજા અર્ચના કરશે.

કોકરોજ જનતા પાર્ટી દ્વારા લખનૌમાં વિરોધ પ્રદર્શન

દિલ્હી અને પૂણે બાદ હવે 12 જૂનના રોજ લખનૌમાં કોકરોજ જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

અમદાવાદ પ્લેન અકસ્માત

12 જૂનના રોજ અમદાવાદ પ્લેન અકસ્માત મામલે AAIB ની તપાસની વચગાળાનો અહેવાલ (Interim Report) આવવાની સંભાવના છે.

એર ઇન્ડિયા શ્રદ્ધાંજલિ

એર ઇન્ડિયા AI171 પ્લેન ક્રેશની પ્રથમ વરસી પર દેશ-વિદેશની ઓફિસોમાં શહીદોની યાદમાં 12 જૂનના રોજ બપોરે 1:39 થી 1:41 વાગ્યા સુધી 2 મિનિટનું મૌન પાળવામાં આવશે.

જન કલ્યાણ મેળાનું આયોજન

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં 12 જૂનના રોજ જન કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ મુદ્દે લોકોને લાભ આપવા અને માર્ગદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં મેયર સહિત ધારાસભ્યને સાંસદો પણ હાજર રહેશે. 

શિક્ષક સમાજની સમસ્યા અંગે પત્રકાર પરિષદ 

ગુજરાતમાં સાંપ્રત પરિસ્થિતિ સંદર્ભે શૈક્ષિક સંઘ દ્વારા શિક્ષકોની સમસ્યાને વાચા આપવા માટે 12 જૂનના રોજ બપોરે 12.30 કલાકે ગાંધીનગરમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.

હવામાન એલર્ટ: 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગ (IMD) દ્વારા 12 જૂનના રોજ દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી અને બિહાર સહિતના રાજ્યોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેનાથી પાકને નુકસાન થવાની આશંકા છે.

થિયેટરોમાં ફિલ્મોનો ધમાકો

આ શુક્રવારે સિનેમાપ્રેમીઓ માટે મનોરંજનનો મોટો ડબલ ડોઝ છે. થિયેટરોમાં એક કે બે નહીં પરંતુ 8 નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેમાં એક્શન, કોમેડી, હોરર અને થ્રિલર શૈલીની ફિલ્મોનો સમાવેશ થાય છે.

વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ

બાળકોના અધિકારોની રક્ષા કરવા અને બાળ મજૂરીની બદીને નાબૂદ કરવા માટે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) દ્વારા દર વર્ષે 12 જૂનના રોજ વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ ઉજવવામાં આવે છે, જેથી બાળકોને શિક્ષણ અને સુરક્ષિત ભવિષ્ય મળી શકે.

12 જૂનની ઐતિહાસિક ઘટનાઓ

  • ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ (1975): અલ્હાબાદ હાઈકોર્ટે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની લોકસભા ચૂંટણી રદ કરી હતી, જેના કારણે દેશમાં 'ઇમરજન્સી' લાગુ થવાનો પાયો નંખાયો હતો.
  • બારડોલી સત્યાગ્રહ (1928): 12 જૂન 1928 ના રોજ શરૂ થયેલા બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ જ મહાત્મા ગાંધીએ વલ્લભભાઈ પટેલને 'સરદાર' નું બિરુદ આપ્યું હતું.
  • નેપોલિયનનું રશિયા પર આક્રમણ (1812): ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટે રશિયા પર આક્રમણ શરૂ કર્યું જે તેના પતનનું કારણ બન્યું.
  • નેલ્સન મંડેલાને આજીવન કેદ (1964): રંગભેદ વિરોધી નેતા નેલ્સન મંડેલાને આજના દિવસે આજીવન કેદની સજા થઈ હતી.

જાણીતી હસ્તીઓનો જન્મદિવસ

  • એની ફ્રેન્ક (1929): બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓના અત્યાચારો ડાયરીમાં લખનાર પ્રખ્યાત યહૂદી કિશોરીનો જન્મદિવસ છે.
  • જાવેદ મિયાંદાદ (1957): પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ અને આક્રમક ક્રિકેટરનો જન્મદિવસ છે.
  • જ્યોર્જ એચ. ડબ્લ્યુ. બુશ (1924): શીત યુદ્ધ દરમિયાન અમેરિકાનું નેતૃત્વ કરનાર 41મા રાષ્ટ્રપતિનો આજે જન્મદિવસ છે.


આ પણ વાંચો - 11 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર


  • Follow us on: