9 જૂન 2026નો દિવસ ભારતની રાજનીતિ, ઇતિહાસ, સુરક્ષા અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદીના શાસનકાળથી લઈને કુદરતી આફતો અને સ્થાનિક વહીવટી ફેરફારો સુધીની અનેક મોટી હલચલ જોવા મળશે. આવો જાણીએ આજે બનનારી તમામ મહત્વની ઘટનાઓ વિશે વિગતવાર...
વડાપ્રધાન મોદીના નામે નોંધાશે મહાકીર્તિમાન અને ભાજપની બ્રીફિંગ
કેન્દ્રમાં મોદી સરકારના સફળ શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિશેષ કાર્યક્રમો ચાલી રહ્યા છે, પરંતુ 9 જૂનનો દિવસ ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાશે. કારણ કે, વડાપ્રધાન મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા વડાપ્રધાન બનવાની દિશામાં વધુ એક મોટો આંકડો પાર કરશે. આ ઐતિહાસિક ક્ષણ પહેલા આજે ભાજપ અધ્યક્ષ અને મંત્રીઓ સરકારની સિદ્ધિઓ અંગે એક ઓફ-ધ-રેકોર્ડ બ્રીફિંગ આપશે.
હાઈ-ટેક બનશે દેશના ભૂમિ બંદરો, અમિત શાહ કરશે લોન્ચિંગ
સીમા પ્રબંધનને વધુ મજબૂત અને ડિજિટલ બનાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 9 જૂનના રોજ 'લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ' લોન્ચ કરશે. આ ડિજિટલ પ્લેટફોર્મ દેશના તમામ ભૂમિ બંદરોને જોડશે. આ સાથે જ તેઓ મેઘાલય અને ત્રિપુરાના લેન્ડ પોર્ટ્સ પર નવી સુવિધાઓનું ઉદ્ઘાટન પણ કરશે.
હવામાન વિભાગનું એલર્ટ: 15 રાજ્યોમાં આંધી અને ભારે વરસાદની આફત
9 જૂનના રોજ દેશના અનેક વિસ્તારોમાં કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 21 કલાકમાં ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 15 રાજ્યોમાં 90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. પૂર્વીય રાજ્યોમાં વીજળી પડવાની પણ સંભાવના છે, જેથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.
રાજકીય ગરમાવો: TMCના બાગી સાંસદો
9 જૂનના રોજ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 20 નારાજ સાંસદોનો બાગી જૂથ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને અભિષેક બેનર્જીના સ્થાને કાકોલી ઘોષને પોતાના નેતા તરીકે માન્યતા આપવા રજૂઆત કરી શકે છે.
IRCTC કૌભાંડ પર નિર્ણય
9 જૂનના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ IRCTC કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં લાલુ યાદવના પરિવાર પર આરોપો નક્કી કરવા અંગે પોતાનો ચુકાદો સંભળાવશે.
ગુજરાતમાં વીજકાપ: આ વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે
ટોડા જ્યોતિગ્રામ ફીડર: લાઠી પેટા વિભાગ હેઠળ વાયર બદલવાની કામગીરીના કારણે 9 જૂનના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી પાવર કટ રહેશે. હેપી રિસોર્ટ, હોલીડે વોટરપાર્ક અને આસપાસની મિલો પ્રભાવિત થશે.
ધનસુરા સબ સ્ટેશન: વૃક્ષોની ડાળીઓ કાપવા અને મેન્ટેનન્સ માટે 9 જૂનના રોજ સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી 13 ફીડરો (જ્યોતિગ્રામ, ઔદ્યોગિક અને કૃષિ)માં વીજ પુરવઠો બંધ રહેશે.
સંરક્ષણ: બંગાળની ખાડીમાં મિસાઈલ ટેસ્ટિંગનો છેલ્લો દિવસ
ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપ અને બંગાળની ખાડીમાં ભારતીય નૌસેના દ્વારા ચાલી રહેલા લાંબા અંતરની મિસાઈલ અને હથિયારોના પરીક્ષણનો 9 જૂનના રોજ છેલ્લો દિવસ છે. સુરક્ષાના ભાગરૂપે આશરે 390 થી 470 કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં 'નો-ફ્લાય ઝોન' (NOTAM) જાહેર કરાયેલો છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આજનો વિશેષ દિવસ
- PMSMA ના 10 વર્ષ - 9 જૂનના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) ના સફળ 10 વર્ષ પૂર્ણ થવા પર દેશવ્યાપી ઉજવણીની શરૂઆત કરશે.
- ગાયત્રી જયંતી - 9 જૂનના રોજ જેઠ સુદ દશમના દિવસે વેદમાતા ગાયત્રીનો પ્રાગટ્યોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે.
બિરસા મુંડા શહીદ દિવસ
9 જૂન 1900ના રોજ મહાન આદિવાસી સ્વતંત્રતા સેનાની અને લોકનાયક ભગવાન બિરસા મુંડાનું રાંચીની જેલમાં અવસાન થયું હતું (એવું માનવામાં આવે છે કે, અંગ્રેજો દ્વારા તેમને ઝેર આપવામાં આવ્યું હતું). તેમણે અંગ્રેજી હુકુમત સામે આદિવાસીઓના હક માટે 'ઉલગુલાન' (મોટો વિદ્રોહ) શરૂ કર્યો હતો. જેની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્સ દિવસ
દસ્તાવેજો અને ઐતિહાસિક રેકોર્ડના સંરક્ષણનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 9 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્સ દિવસ ઉજવવામાં આવે છે.
'આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ' વર્કશોપ
9 જૂનના રોજ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં એક મોટો આઉટરીચ વર્કશોપ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની ગ્રામ પંચાયતો અને બ્લોક પંચાયતોને આર્થિક રીતે આત્મનિર્ભર અને આવક ઊભી કરતી કરવા માટેના રોડમેપ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
જાણીતી હસ્તીઓના જન્મદિવસ
- કિરણ બેદી: ભારતના પ્રથમ મહિલા આઈપીએસ (IPS) અધિકારી અને પુડુચેરીના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીનો જન્મ 9 જૂન 1949ના રોજ થયો હતો. તેઓ દેશની કરોડો મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.
- સોનમ કપૂર: બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરની પુત્રી અને જાણીતી અભિનેત્રી સોનમ કપૂરનો જન્મ 9 જૂન 1985ના રોજ થયો હતો.
- અમીષા પટેલ: 'ગદર' અને 'કહો ના પ્યાર હૈ' ફેમ બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલનો જન્મ પણ 9 જૂન 1975ના રોજ થયો હતો.
અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની ઉપસ્થિતિમાં હાઈ લેવલ લોન્ચિંગ
અમદાવાદની જાણીતી રેડિયન હોટલ ખાતે 9 જૂનના રોજ સવારે 9 વાગ્યે એક ખાસ આંતરરાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની પ્રેરક ઉપસ્થિતિમાં વર્લ્ડ બેંક અને ભારત સરકારના સંયુક્ત સહયોગથી 'SAPLING' હાઈ લેવલ પોલિસી લોન્ચિંગ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેમાં મહત્વની નીતિઓ જાહેર કરાશે.
શિક્ષણ મંત્રીને ઘેરશે ઉમેદવારો: જ્ઞાન સહાયક રદ્દ કરવા અને વિદ્યા સહાયકની ભરતીની માંગ
ગુજરાતમાં ટેટ-1 (TET 1) પાસ ઉમેદવારો હવે આરપારના મૂડમાં મેદાને પડ્યા છે. 'જ્ઞાન સહાયક' યોજના રદ્દ કરી કાયમી 'વિદ્યા સહાયક'ની ભરતી કરવાની ઉગ્ર માંગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો 9 જૂનના રોજ શિક્ષણ મંત્રીને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરશે.
શાળાઓ શરૂ પણ 40 લાખ બાળકોના ભોજન પર સંકટ, શિક્ષણ મંત્રી સમક્ષ કરશે રજૂઆત
રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર તો શરૂ થઈ ગયું છે, પરંતુ મધ્યાહન ભોજન યોજના હેઠળ આવતા 40 લાખ વિદ્યાર્થીઓ માટે હજુ સુધી અન્નની વ્યવસ્થા થઈ શકી નથી. અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા શાળાઓ સુધી અનાજ પહોંચાડવામાં ન આવતા 9 જૂનના રોજ આ ગંભીર મુદ્દે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી તાકીદે યોગ્ય પગલાં ભરવા માંગ કરવામાં આવશે.
ગઢડા APMC ખાતે ખેડૂતોને પ્રમાણિત બીજ અને પ્રમાણપત્રનું વિતરણ
તેલની આયાત ઘટાડવા અને દેશના ખેડૂતો વધુમાં વધુ મગફળીનું વાવેતર કરે તેવા પીએમ મોદીના આહવાનને પગલે 9 જૂનના રોજ ગઢડા એ.પી.એમ.સી. ખાતે મોટો કાર્યક્રમ યોજાશે. અહીં રજિસ્ટર થયેલા 800 જેટલા ખેડૂતોને કેન્દ્રીય મંત્રીના હસ્તે પ્રમાણપત્ર તેમજ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રમાણિત બીજનું વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે.
અમરેલીમાં મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે વૃક્ષારોપણ અને વિદ્યાર્થીઓનું સન્માન
અમરેલી શહેરમાં 9 જૂનના રોજ રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે સવારે 9 કલાકે જેસીંગપુરા વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને સમગ્ર શહેરમાં 51,000 વૃક્ષો વાવવાની મહાઝુંબેશનો પ્રારંભ કરાશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના બોર્ડના તેજસ્વી વિદ્યાર્થીઓને મંત્રીના હસ્તે 'કર્મભૂમિ વિદ્યા રત્ન એવોર્ડ 2026' આપી બિરદાવવામાં આવશે.
ડીસા માર્કેટ યાર્ડમાં સત્તા પલટાના એંધાણ, ચેરમેન પદ માટે ચૂંટણી
બનાસકાંઠાના પ્રખ્યાત ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા 9 જૂનના રોજ નવા ચેરમેન વરણી માટે ચૂંટણી યોજાશે. વર્તમાન ચેરમેન સામે સ્થાનિક સ્તરે ભારે વિરોધ જોવા મળી રહ્યો હોવાથી 9 જૂનના રોજ ડિસા યાર્ડમાં નવા ચેરમેનની એન્ટ્રી થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
રાંધણ ગેસના ભાવવધારા સામે ધોરાજીમાં મહિલાઓનો અનોખો વિરોધ
રોજબરોજ વધતા રાંધણ ગેસના બાટલાના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ગેસના આ અસહ્ય ભાવવધારા સામે વિરોધ નોંધાવવા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 9 જૂનના રોજ સ્થાનિક મહિલાઓ એકત્રિત થઈને અનોખી રીતે સરકાર સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરશે.
સમગ્ર શહેરમાં પાણીના નમૂનાનો રિપોર્ટ જાહેર થશે
જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં શહેરમાં ફેલાયેલા પાણીજન્ય રોગોની સ્થિતિ અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર શહેરમાંથી લેવાયેલા પાણીના નમૂનાઓ (Water Samples)નો મહત્વનો ટેસ્ટિંગ રિપોર્ટ પણ 9 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો - 8 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર













