15 નવેમ્બર, રવિવારના રોજ દેશભરમાં રાજકીય, સરકારી અને સામાજિક ક્ષેત્રે અનેક મહત્ત્વના કાર્યક્રમો યોજાવાના છે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી થશે. પીએમ મોદી ગઢચિરોલીના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધશે, જ્યારે ગુજરાતમાં છોટા ઉદેપુર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત અમિત શાહ, રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય નેતાઓના પણ વિવિધ કાર્યક્રમો નિર્ધારિત છે.
પીએમ મોદી ગઢચિરોલીના કાર્યક્રમને કરશે સંબોધન
પીએમ મોદી 15 નવેમ્બરે સવારે 11 વાગ્યે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં યોજાનારા જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમમાં તેઓ સંબોધન કરશે. આ દરમિયાન આશરે 3,000 કરોડની 246 વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે.
અમિત શાહનો પુણે પ્રવાસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 15 નવેમ્બરે પુણેની મુલાકાત લેશે. બપોરે 1 વાગ્યે ભારત ફોર્જના 60 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સ્મારક તકતીનું અનાવરણ કરશે. ત્યારબાદ બપોરે 3:15 વાગ્યે એનએચઈસી મલ્ટી સ્ટેટ સહકારી સંસ્થાના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત સહકારી મંડળીઓના કેન્દ્રીય રજિસ્ટ્રારની પ્રાદેશિક કચેરીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને પુણે માટે ભારત ટેક્સી સેવાનો પ્રારંભ પણ કરશે.
છોટા ઉદેપુરમાં બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી
ગુજરાતમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિની રાજ્યકક્ષાની ઉજવણી છોટા ઉદેપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થશે. કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. સવારે 10 વાગ્યાથી રોડ શો યોજાશે, જે સભાસ્થળે પૂર્ણ થયા બાદ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.
દેશભરમાં છઠપૂજાની ઉજવણી
15 નવેમ્બરે દેશભરમાં છઠપૂજાની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં પણ બિહારી સમાજ દ્વારા છઠપૂજાના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં બિહારી સમાજના લોકો એકત્રિત થશે.
રાજનાથ સિંહ હૈદરાબાદના પ્રવાસે
રક્ષામંત્રી રાજનાથ સિંહ 15 નવેમ્બરે હૈદરાબાદના હાઈટેક્સની મુલાકાત લેશે. તેમના પ્રવાસને ધ્યાનમાં રાખીને સાયબરાબાદ પોલીસે સુરક્ષાનાં પગલાં લીધાં છે. માધાપુર વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 લાગુ કરવામાં આવી છે.
છત્તીસગઢમાં નિતિન નવીન હાજરી આપશે
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે છત્તીસગઢના રાયગઢમાં આદિવાસી ગૌરવ દિવસનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન ઉપસ્થિત રહેશે.
પીયૂષ ગોયલનો ઇજિપ્ત પ્રવાસ
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ 15 અને 16 નવેમ્બરે ઇજિપ્તના સત્તાવાર પ્રવાસે જશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ઔદ્યોગિક સહયોગ વધારવા માટે બેઠકો યોજાશે. તેઓ સંયુક્ત વેપાર સમિતિ, બિઝનેસ ફોરમ અને વરિષ્ઠ મંત્રીઓ સાથે ચર્ચા કરશે.
ઉત્તર પ્રદેશના 50 હજાર વિદ્યાર્થીઓને ટેબલેટ મળશે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 15 નવેમ્બરે લખનૌના રાષ્ટ્ર પ્રેરણા સ્થળેથી સ્વામી વિવેકાનંદ યુવા સશક્તિકરણ યોજના હેઠળ આશરે 50 હજાર વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરશે. યોજનાનો હેતુ યુવાનોને ટેકનિકલ શિક્ષણ અને રોજગારની વધુ સારી તકો પૂરી પાડવાનો છે.
આ પણ વાંચો : Gujarat: ગોધરા કાંડની તપાસ પર સવાલ કેમ? IPS રાકેશ અસ્થાના સોનિયા ગાંધીના દાવા સામે આક્રમક, Video