22 ઓક્ટોબર, 2026ના રોજ દેશ અને વિદેશમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટ યોજાશે. બીજી તરફ, દિલ્હીમાં યમુના પુનરુત્થાન માટે રૂ. 8,941 કરોડના પ્રકલ્પોનો કાર્યક્રમ, વારાણસીમાં વાયુસેનાનો એર શો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો બસ્તર પ્રવાસ અને મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા સહિતના કાર્યક્રમો પર સૌની નજર રહેશે.
મોદી અને પોલેન્ડના વડાપ્રધાન વચ્ચે બેઠક
પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક 22 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટ કરશે. આ બેઠકમાં ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોના વિવિધ પાસાંની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન થશે. બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ બેઠક મહત્વપૂર્ણ બની શકે છે.
યમુના પુનરુત્થાન માટે રૂ. 8,941 કરોડના પ્રકલ્પો
દિલ્હીમાં યમુના નદીના પુનરુત્થાન સાથે જોડાયેલા રૂ. 8,941 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે. આ યોજનાઓનો હેતુ યમુના નદીની સફાઈ અને પુનરુત્થાનના પ્રયાસોને વેગ આપવાનો છે. પ્રકલ્પોના અમલીકરણ અને નદીના પ્રદૂષણમાં ઘટાડા અંગેની વિગતો કાર્યક્રમ દરમિયાન વધુ સ્પષ્ટ થઈ શકે છે.
વારાણસીમાં વાયુસેનાનો એર શો, પીએમ મોદી પણ નિહાળશે
ઉત્તર પ્રદેશના વારાણસીમાં નમો ઘાટ ખાતે 22, 24 અને 25 ઓક્ટોબરે વાયુસેનાના એર શોનું આયોજન છે. આ કાર્યક્રમ વાયુસેનાની 94મી વર્ષગાંઠની ઉજવણી સાથે જોડાયેલો છે. તેમાં રાફેલ, સુખોઈ-30 એમકેઆઈ, તેજસ, મિરાજ-2000 અને સારંગ હેલિકોપ્ટર ટીમના પ્રદર્શનનું આયોજન છે. 25 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ એર શો નિહાળશે.
પીયૂષ ગોયલ જર્મનીની મુલાકાતે જશે
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ 22થી 24 ઓક્ટોબર દરમિયાન જર્મનીની સત્તાવાર મુલાકાતે રહેશે. બર્લિનમાં તેઓ ‘બર્લિન ગ્લોબલ ડાયલોગ’માં ભાગ લેશે. આ દરમિયાન ભારતની આર્થિક સ્થિરતા, ઉત્પાદન ક્ષમતા અને વૈશ્વિક પુરવઠા વ્યવસ્થામાં ભારતની ભૂમિકા રજૂ કરવામાં આવશે. સાથે જ જર્મનીના આર્થિક મંત્રીઓ અને વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વેપાર, ઔદ્યોગિક સહયોગ અને વ્યૂહાત્મક આર્થિક ભાગીદારી મજબૂત કરવા અંગે ચર્ચા થશે.
રાષ્ટ્રપતિ મુર્મુ બસ્તરના મુરિયા દરબારમાં હાજરી આપશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 22 અને 23 ઓક્ટોબરે છત્તીસગઢના બસ્તર પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ બસ્તર દશેરા ઉત્સવ અંતર્ગત યોજાતા પરંપરાગત ‘મુરિયા દરબાર’માં ભાગ લેશે. આ કાર્યક્રમ બસ્તરની સાંસ્કૃતિક ઓળખ અને સ્થાનિક પરંપરાઓ સાથે જોડાયેલો છે. રાષ્ટ્રપતિની હાજરીથી આ પરંપરાગત આયોજનને રાષ્ટ્રીય સ્તરે વિશેષ ધ્યાન મળશે.
જંતર-મંતર કેસમાં નેહા બોરાની અરજી પર સુનાવણી
જંતર-મંતર પ્રદર્શન કેસમાં દિલ્હી પોલીસની નોટિસ સામે નેહા બોરાએ કરેલી અરજી પર દિલ્હી હાઇકોર્ટ 22 ઓક્ટોબરે સુનાવણી કરશે. અરજીમાં રૂ. 10,000નો અંગત મુચરકો ભરવા અને શાંતિ જાળવવાના નિર્દેશ આપતા આદેશને પડકારવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં થનારી સુનાવણી બાદ આ મામલે આગળની કાનૂની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.
મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા
ગુજરાતમાં મોરબી ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં પૂર્વ ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસી નેતાઓ હાજર રહેશે. વીજપોલના વળતરનો પ્રશ્ન, દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ અને પાણીની સમસ્યા સહિતના મુદ્દાઓ ઉઠાવી સરકારને ઘેરવાની કોંગ્રેસની તૈયારી છે. પક્ષે આ સભામાં 20,000 ખેડૂતોને એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
આ પણ વાંચો : Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..