રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 11 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. ત્યારબાદ પુતિન 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનારી BRICS સમિટમાં હાજરી આપશે.
દિલ્હીમાં BRICSને પગલે ટ્રાફિકનો કડક પ્લાન
BRICS સમિટને કારણે દિલ્હીમાં 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા કડક રહેશે. ટ્રાફિક પોલીસે 35થી વધુ રસ્તાઓ પર નિયંત્રણ અને 22 સ્થળોએ ડાયવર્ઝનની વ્યવસ્થા કરી છે. સમિટને કારણે 11 સપ્ટેમ્બરે સરકારી કચેરીઓ બંધ રહેશે. સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટે પણ રજા જાહેર કરી છે.
બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ
બેંક યુનિયનોએ 11 સપ્ટેમ્બરે એક દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. આ ઉપરાંત 28થી 30 સપ્ટેમ્બર સુધી 3 દિવસની હડતાળ અને 26 ઓક્ટોબરથી અનિશ્ચિત હડતાળની ચેતવણી આપવામાં આવી છે. 5 દિવસના બેંકિંગ સપ્તાહના અમલ સહિતની પડતર માંગણીઓ પર સરકાર પાસે કાર્યવાહી કરવાની માંગ છે.
મુંબઈમાં BOCW પરિષદમાં શ્રમિકોના મુદ્દે મંથન
કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયા 11 અને 12 સપ્ટેમ્બરે મુંબઈમાં રાષ્ટ્રીય BOCW પરિષદની અધ્યક્ષતા કરશે. કામદારોની નોંધણી, કલ્યાણ ભંડોળ, ડિજિટલ સેવાઓ, કૌશલ્ય વિકાસ, રોજગારની તકો અને બોર્ડ વચ્ચે સંકલન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે.
સિલ્વાસામાં ઉપપ્રમુખનો કાર્યક્રમ
ઉપપ્રમુખ સી.પી. રાધાકૃષ્ણન 11 સપ્ટેમ્બરે સિલ્વાસાની મુલાકાત લેશે. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજ ઓડિટોરિયમ ખાતે બપોરે 3 વાગ્યે જાહેર કાર્યક્રમ યોજાશે.
ગુજરાત વિધાનસભામાં દુષ્કાળ મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો 11 સપ્ટેમ્બરે ત્રીજો અને અંતિમ દિવસ છે. સવારે 10 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે અને પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે. નાણાં, શહેરી વિકાસ, કૃષિ, પશુપાલન, શ્રમ અને રોજગાર, સામાજિક ન્યાય તથા પુરવઠા વિભાગના પ્રશ્નો ચર્ચાશે.
દુષ્કાળ મુદ્દે તુષાર ચૌધરી સરકારને પૂછશે સવાલ
રાજ્યમાં વરસાદની અછતથી ઉભી થયેલી દુષ્કાળ જેવી સ્થિતિનો મુદ્દો વિધાનસભામાં નિયમ 116 હેઠળ ઉઠાવવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી આ મુદ્દે સરકારનું ધ્યાન દોરશે અને રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવા સહિત સરકાર દ્વારા લેવાયેલા પગલાં અંગે જવાબ માંગશે.
વિધાનસભામાં 3 સરકારી વિધેયક પણ રજૂ થશે
અંતિમ દિવસે અલગ-અલગ બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર દ્વારા 3 સરકારી વિધેયક પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. એટલે ગુજરાત વિધાનસભાનું અંતિમ સત્ર દિવસ રાજકીય અને નીતિગત રીતે મહત્વનો બની રહેશે.
આ પણ વાંચો : Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું