ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના વધી રહેલા કેસોને નિયંત્રિત કરવા અને સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય 'નેશનલ જોઇન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ' (NJORT) મોકલવામાં આવી છે. દેશની અગ્રણી સંશોધન સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહેલા વૈજ્ઞાનિક ક્ષેત્રના ગહન અભ્યાસ અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) તેમજ નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NVBDCP) ના સંકલન હેઠળ ચાલતી સર્વેલન્સ કામગીરીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં સ્થિતિ વધુ વકરી રહી હોવાથી રાજ્યનો આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયો છે. 

વ્યાપક વૈજ્ઞાનિક તપાસ અને સર્વેલન્સ

આ બહુવિધ વિષયોના નિષ્ણાતોની બનેલી NJORT ટીમમાં NCDC, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને પશુપાલન અને ડેરી વિભાગ (DAHD) ના તજજ્ઞોનો સમાવેશ થાય છે. આ ટીમ બંને રાજ્ય સરકારોને રોગચાળાની તપાસ, રોગચાળાનું મૂલ્યાંકન, ક્લિનિકલ મેનેજમેન્ટ, લેબોરેટરી કોઓર્ડિનેશન, મચ્છર અને રેતીમાખી (સેન્ડફ્લાય) જેવા વાહકો પર નજર રાખવા તેમજ જાહેર આરોગ્યના પગલાં અમલમાં મૂકવામાં મદદ કરશે. હાલ ચાંદીપુરા વાયરસ માટે મોટા પાયે વૈજ્ઞાનિક તપાસ ચાલી રહી છે. ICMR-NIE (ચેન્નઈ), ICMR-NIVCR (પુડુચેરી), ICMR-NIV (પુણે), ICMR-NIPCR (હૈદરાબાદ), અને ICAR-NIVEDI (બેંગલુરુ) ના નિષ્ણાતો ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ સાથે મળીને કામ કરી રહ્યા છે. 

પશુઓના બ્લડ અને દૂધના સેમ્પલ લેવાયા

બળદ, ભેંસ અને બકરીઓ જેવા પાલતુ પ્રાણીઓમાં વાયરસની હાજરી છે કે કેમ તે જાણવા માટે તેમના લોહી અને દૂધના આશરે 70 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની તપાસ ચાલુ છે. ઉપરાંત, વાયરસમાં કોઈ જીનેટિક ફેરફાર આવ્યો છે કે કેમ તે જાણવા માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC), ગાંધીનગર ખાતે વાયરસનું હોલ-જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રાથમિક ધોરણે સામાન્ય જીનેટિક તફાવત જોવા મળ્યા છે. આ સમગ્ર સર્વેલન્સ કામગીરી ભારત સરકારના 'વન હેલ્થ' અભિગમને દર્શાવે છે. જે માનવ, પ્રાણી અને વાહક કીટકો પર એકસાથે નજર રાખીને ચાંદીપુરા વાયરસના ઉદ્ભવ અને તેના ફેલાવાને રોકવા માટે મજબૂત પુરાવા-આધારિત આરોગ્ય વિષયક પગલાં લેવામાં મદદરૂપ થશે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 22 બાળકોના મોત

ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાએ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં સામે આવેલા તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 35 ચાંદીપુરા કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 11 સેમ્પલના ટેસ્ટ પરિણામો હજુ બાકી છે. અત્યાર સુધીમાં નોંધાયેલા શંકાસ્પદ કેસોમાંથી 22 બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા છે. હાલ રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં 7 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 6 પોઝિટિવ દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ ગાંધીનગર, સાબરકાંઠા -હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલોમાં દાખલ તમામ બાળકોને શ્રેષ્ઠ અને સુપર-સ્પેશિયાલિસ્ટ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. 

આ પણ વાંચો: Gujarat Weather News: અલનીનોની અસરથી રાજ્યમાં વરસાદ ખેંચાયો, ઓગસ્ટના અંતમાં મેઘમહેરની શક્યતા