19 નવેમ્બર, 2026ના રોજ ગુવાહાટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતની ઔદ્યોગિક તાકાત કેન્દ્રસ્થાને રહી હતી અને સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઓઈલ અને ગેસ તેમજ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગ માટે નવી તકો શોધવા અગ્રણી ઉદ્યોગપતિઓ તથા સરકારી પ્રતિનિધિઓ એકઠા થયા હતા. રોડ-શો અગાઉ મંત્રી નરેશ પટેલ, ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંઘ અને અન્ય મહાનુભાવોએ ગુવાહાટી અને આસામના ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી.

પ્રેઝન્ટેશન, શોર્ટ ફિલ્મ અને બંને રાજ્યોની ઔદ્યોગિક ક્ષમતા

રોડ-શો દરમિયાન ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંઘ દ્વારા VGGS 2027 પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને અન્ય ઉદ્યોગોમાં વિકાસની તકો દર્શાવતી વિશેષ શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. ઉદ્યોગ પ્રતિનિધિઓએ પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કર્યા હતા. મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે આસામ ઓઈલ અને ગેસ તથા સર્વિસ સેક્ટરમાં અગ્રણી છે, જ્યારે ગુજરાત ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરો, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને ગ્લોબલ કનેક્ટિવિટીમાં મજબૂત ક્ષમતા ધરાવે છે. ગુજરાત ભારતના મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 17% અને માલસામાન નિકાસમાં 25% યોગદાન આપે છે.

10થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગરમાં સમિટ

11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગર ખાતે “વિકસિત ગુજરાત - શેપિંગ ગ્લોબલ ફ્યુચર” થીમ હેઠળ યોજાશે. આ અગાઉ મંત્રી નરેશ પટેલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે મુલાકાત કરીને VGGS-2027 માટે ઔપચારિક આમંત્રણ પાઠવ્યું હતું અને ઓઈલ-ગેસ ક્ષેત્રે ગુજરાતની પ્રગતિ અંગે માહિતી આપી હતી. ગુવાહાટી અને આસામના સાહસો, સ્ટાર્ટઅપ્સ તથા ઔદ્યોગિક સંસ્થાઓને ગાંધીનગર પધારી આંતર-રાજ્ય મૂલ્ય શૃંખલા અને ઔદ્યોગિક વિકાસમાં સહભાગી થવા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો