ભારતમાં દૂધનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં દૂધના ઉત્પાદનમાં આશરે 69%નો વધારો થયો છે અને ઉત્પાદન 247.87 મિલિયન ટન સુધી પહોંચ્યું છે. આ સાથે ભારત વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ તરીકે પોતાનું સ્થાન જાળવી રહ્યું છે. દેશના કુલ દૂધ ઉત્પાદનમાં પાંચ રાજ્યોનો હિસ્સો 54.09% છે. તેમાં ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે, જ્યારે ગુજરાતનો હિસ્સો 7.78% છે.
10 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં મોટો વધારો
રાષ્ટ્રીય દૂધ દિવસ પહેલાં જાહેર કરાયેલી સરકારી ફેક્ટશીટ મુજબ, વર્ષ 2014-15માં ભારતમાં 146.31 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થયું હતું. વર્ષ 2024-25માં આ ઉત્પાદન વધીને 247.87 મિલિયન ટન થયું છે. વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો આશરે 25% છે.
દૂધ ઉત્પાદનમાં આ 5 રાજ્યો સૌથી આગળ
દેશના કુલ દૂધ ઉત્પાદનમાં પાંચ રાજ્યોનો સંયુક્ત હિસ્સો 54.09% છે. રાજ્યવાર હિસ્સો આ પ્રમાણે છે:
- ઉત્તર પ્રદેશ: 15.66%
- રાજસ્થાન: 14.82%
- મધ્ય પ્રદેશ: 9.12%
- ગુજરાત: 7.78%
- મહારાષ્ટ્ર: 6.71%
વ્યક્તિદીઠ દૂધની ઉપલબ્ધતા પણ વધી
દૂધના ઉત્પાદનમાં વધારા સાથે દેશમાં વ્યક્તિદીઠ દૂધની ઉપલબ્ધતામાં પણ વધારો થયો છે. વર્ષ 2014-15માં વ્યક્તિદીઠ દૈનિક દૂધની ઉપલબ્ધતા 319 ગ્રામ હતી, જે વર્ષ 2024-25માં વધીને 485 ગ્રામ થઈ છે. બીજી તરફ, પ્રતિ પશુ વાર્ષિક સરેરાશ દૂધ ઉત્પાદન 1,640 કિલોગ્રામથી વધીને 2,800 કિલોગ્રામ થયું છે.
8.5 કરોડ ગ્રામીણ પરિવારોની રોજીરોટી ડેરી ક્ષેત્ર સાથે જોડાયેલી
ભારતના ગ્રામીણ અર્થતંત્રમાં ડેરી ક્ષેત્રનું મહત્વનું યોગદાન છે. દેશના આશરે 8.5 કરોડ ગ્રામીણ પરિવારો આ ક્ષેત્ર દ્વારા પોતાની આજીવિકા ચલાવે છે. ડેરી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં આશરે 70% મહિલાઓ છે.
ડેરી સહકારી નેટવર્કમાં 22 દૂધ મહાસંઘ
ભારતના ડેરી સહકારી નેટવર્કમાં 22 દૂધ મહાસંઘ અને 241 જિલ્લા સહકારી દૂધ સંઘનો સમાવેશ થાય છે. આ નેટવર્ક આશરે 2.45 લાખ ગામો અને 1.65 કરોડ ડેરી ખેડૂતો સુધી પહોંચે છે.
દૂધનું ઉત્પાદન વધ્યું એટલે ભાવ ઘટશે?
દૂધના ઉત્પાદનમાં વધારો થવાથી તેની ઉપલબ્ધતા સુધરી શકે છે, પરંતુ તેના કારણે બજારમાં દૂધના ભાવમાં તાત્કાલિક ઘટાડો થશે તે નક્કી નથી. દૂધના ભાવ પશુઓના ચારા, પરિવહન, ઉત્પાદન ખર્ચ અને બજારમાં માંગ-પુરવઠા જેવા પરિબળો પર આધારિત હોય છે. તેથી દૂધ સસ્તું થશે કે નહીં તે આવનારા સમયમાં બજારની સ્થિતિ પર નિર્ભર રહેશે.
26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ
દર વર્ષે 26 નવેમ્બરે ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસ મનાવવામાં આવે છે. તેમને ભારતની શ્વેત ક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો : Anupam Kherની ફ્લાઇટ સુરત ડાયવર્ટ, લેન્ડિંગની ક્ષણે વિમાને ફરી ભરી ઉડાન, મુંબઈ એરપોર્ટના ટ્રાફિક મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ