મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં રવિવારે બપોરે બદનાવર-ઉજ્જૈન ફોરલેન હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. પંચકવાસા ગામ નજીક બપોરે આશરે 1 વાગ્યે થયેલા આ અકસ્માતમાં છ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને સારવાર માટે બદનાવર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તમામ યુવકો ગુજરાતના વડોદરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

ગાડીમાં સવાર તમામ યુવકો ગુજરાતના વડોદરાના રહેવાસી

પ્રાથમિક માહિતી મુજબ, એક ઝડપી અને કાબૂ બહાર ગયેલા ટ્રેલરે સામેની દિશામાંથી આવી રહેલી મારુતિ ઈકો ગાડીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઈકો વેનના ફુરચા ઉડી ગયા હતા. વેનમાં સવાર છ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા. મળતી માહિતી અનુસાર, અકસ્માતનું મુખ્ય કારણ ટ્રેલરનું રોંગ સાઈડમાં આવવું અને તેની વધુ ઝડપ હોવાનું સામે આવ્યું છે. જોકે, સમગ્ર ઘટનાની સત્તાવાર તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. 

ગાડીમાં સવાર તમામ યુવકો ગુજરાતના વડોદરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના દર્શન કર્યા બાદ ગાડી મારફતે વડોદરા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પંચકવાસા નજીક સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રોલાએ તેમની વેનને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ

અકસ્માતને કારણે હાઈવે પર લોકોની ભારે ભીડ એકઠી થઈ જતા થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. આ અકસ્માતની જાણ યુવકોના પરિવારજનોને થતાં વડોદરામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. એક જ અકસ્માતમાં છ યુવકોના મોતથી સમગ્ર વિસ્તારમાં પણ ભારે અરેરાટી ફેલાઈ છે. પોલીસે અકસ્માતના અન્ય પાસાઓ અંગે તપાસ શરૂ કરી છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ યુવકની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : Mamata Banerjee: કાચ ન હોત તો મારું માથું ફાટી ગયું હોત અને હું મરી જતી... કાફલા પર પથ્થરમારા પર મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા