આવતીકાલે 28 નવેમ્બરે તામિલનાડુમાં દીપથૂન પર દીવા પ્રગટાવાશે, પરીસિમન બીલ પર રાહુલ ગાંધી નવી રણનીતિ ઘડશે, ભાજપના પદાધિકારીઓની બેઠકોનો અંતિમ દિવસ સહિતના સમાચારો પર નજર રહેશે

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 351ના જમીન સંપાદન સામે વિરોધ 

જેતપુર તાલુકાના પીઠડીયા ગામના ખેડૂતો જેતપુર-મહુવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 351ના જમીન સંપાદન સામે વિરોધ નોંધાવશે,પીઠડીયા ગામના ખેડૂતોનો જેતપુર-મહુવા હાઇવે જમીન સંપાદનના વળતર મુદ્દે વિરોધ કરશે.જમીન સંપાદન અંતર્ગત ખેડૂતોને મળનાર વળતરને જંત્રી આધારિત અને બજારભાવ કરતાં ઘણું ઓછું ગણાવ્યુ હતું. ખેડૂતોની માંગ છે કે જમીનના વર્તમાન બજારભાવ મુજબ ચાર ગણું વળતર ચૂકવવામાં આવે,બજાર કિંમત નક્કી કરવા માટે એમ.આર.સી. કમિટીની રચના કરવાની પણ માંગ કરી,ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

સુરતમાં એક્વેરિયમને ફરી શરૂ કરવાની તૈયારીઓ

સુરતમાં બનાવવામાં આવેલ સમગ્ર ગુજરાતનું સૌથી મોટું એક્વેરિયમ છેલા દોઢ વર્ષથી બંધ પડ્યું છે.આ એક્વેરિયમ ને હવે ફરી શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.રિનોવેશન માટે છેલ્લાં દોઢ વર્ષથી બંધ એવા પાલના જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે ખાનગી એજન્સીને સોંપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ છે. આગામી શનિવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.ખાનગીકરણ બાદ ટિકિટ મોંઘી થવાની આશંકા 2 કરોડ કમાઈ આપતું ઍક્વેરિયમ વર્ષે 3.46 લાખના પ્રીમિયમે ખાનગી એજન્સીને સોંપાશે.

ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકનો અંતિમ દિવસ

આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકનો બીજો અને અંતિમ દિવસ છે. બેઠકમાં વિધાનસભા ચૂંટણી અને સંગઠનને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન પણ થઈ શકે છે.

પરિસીમન મુદ્દે INDIA ગઠબંધનની બેઠક

આવતીકાલે પરિસીમનના મુદ્દે INDIA ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને સવારે 11:30 વાગ્યે બેઠક મળશે. સંસદના આગામી સત્ર અને વિપક્ષની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.

તમિલનાડુમાં દીપથૂન પર દીવા પ્રગટાવાશે

આવતીકાલે તમિલનાડુમાં હિન્દુ સમાજ દ્વારા દીપથૂન એટલે કે દીપક સ્તંભ પર દીવા પ્રગટાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કાર્યક્રમ યોજાવાનો છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 24 નવેમ્બરે દીવા પ્રગટાવવાની મંજૂરી ન મળ્યા બાદ દીપક પ્રગટાવવામાં આવ્યા નહોતા.

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન વારાણસીની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આવતીકાલે ઉત્તર પ્રદેશના વારાણસીની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ કાશી તમિલ સંગમમ 5.0ના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત વારાણસીના શ્રી કાલ ભૈરવ મંદિર અને શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના પણ કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેરળમાં પાસિંગ આઉટ પરેડમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે કેરળમાં છે. 28 નવેમ્બર, 2026ના રોજ તેઓ કેરળના એઝિમાલા સ્થિત ભારતીય નૌકાદળ અકાદમીમાં યોજાનારી શરદ સત્રની પાસિંગ આઉટ પરેડમાં મુખ્ય અતિથિ અને રિવ્યૂઇંગ ઓફિસર તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં તેઓ તાલીમ પૂર્ણ કરનારા કેડેટ્સની પરેડનું નિરીક્ષણ કરશે.

28 નવેમ્બરે હવામાનની સૌથી વધુ અસર દક્ષિણ ભારતમાં

દેશભરમાં 28 નવેમ્બરે હવામાનની સૌથી વધુ અસર દક્ષિણ ભારતમાં જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અનેક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે કેરળ, માહે અને લક્ષદ્વીપમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહી શકે છે.આ ઉપરાંત, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આગામી કેટલાક દિવસોમાં હવામાનમાં ફેરફાર થવાના સંકેતો છે.હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં તેજ પવન ફૂંકાવાની આગાહી કરી છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે પવનના જોરદાર ઝાપટા દરમિયાન તેની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.બીજી તરફ, દેશના બાકીના વિસ્તારોમાં આગામી એક સપ્તાહ દરમિયાન હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

28 નવેમ્બરે દેશ વિદેશની ઐતિહાસિક ઘટનાઓ

1890: મહાત્મા જ્યોતિબા ફૂલેનું પુણેમાં નિધન થયું હતું

1967: સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસેવક સેનાપતિ બાપટનું નિધન થયું હતું

1996: કેપ્ટન ઇન્દ્રાણી સિંહ વિશ્વનાં પ્રથમ મહિલા એરબસ A300 વિમાન કમાન્ડર બન્યાં હતાં 

1997: તત્કાલીન વડાપ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાલે કોંગ્રેસે સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યા બાદ રાજીનામું આપ્યું હતું

1520:પોર્ટુગીઝ સંશોધક ફર્ડિનાન્ડ મેગેલનનું અભિયાન દક્ષિણ અમેરિકાના દરિયાઈ માર્ગમાંથી પસાર થઈ પ્રશાંત મહાસાગરમાં પહોંચ્યું હતું

1893: ન્યૂઝીલેન્ડમાં મહિલાઓએ પ્રથમ વખત સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હતું

1912: અલ્બેનિયાએ ઓટોમન સામ્રાજ્યથી સ્વતંત્રતાની જાહેરાત કરી હતી

1919: નેન્સી એસ્ટર બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાનાર પ્રથમ મહિલા સાંસદ બન્યાં હતાં

1943: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈરાનની રાજધાની તેહરાનમાં ચર્ચિલ, રૂઝવેલ્ટ અને સ્ટાલિનની ઐતિહાસિક બેઠક શરૂ થઈ હતી. 

1960: મોરિટાનિયાએ ફ્રાન્સથી સ્વતંત્રતા મેળવી હતી. 

1964: અમેરિકાની અંતરિક્ષ સંસ્થા NASAએ મંગળ ગ્રહના અભ્યાસ માટે મેરિનર-4 અવકાશયાન લોન્ચ કર્યું હતું

28 નવેમ્બરે દેશ વિદેશમાં જન્મેલી મહાન હસ્તીઓ

1988 – યામી ગૌતમ: બોલિવૂડ અભિનેત્રી. 

1986 – પ્રતીક બબ્બર: બોલિવૂડ અભિનેતા 

1985 – ઈશા ગુપ્તા: બોલિવૂડ અભિનેત્રી અને મોડલ.

1938 – એમ.એમ. કલબુર્ગી: જાણીતા કન્નડ સાહિત્યકાર

1867 – ચંદ્રકુમાર અગ્રવાલા: આસામી ભાષાના જાણીતા કવિ અને લેખક

1922 – કે.એમ. મામેન મપ્પિલાઈ:જાણીતા ભારતીય ઉદ્યોગપતિ અને MRFના સ્થાપક

1757 - વિલિયમ બ્લેકઃ અંગ્રેજી કવિ, ચિત્રકાર અને કલાકાર

1820 - ફ્રેડરિક એંગલ્સ : જર્મન ફિલસૂફ અને કાર્લ માર્ક્સના સહયોગી

1908 - ક્લોડ લેવી-સ્ટ્રોસ : ફ્રાન્સના જાણીતા માનવશાસ્ત્રી

1929 - બેરી ગોર્ડી: મોટાઉન રેકોર્ડ કંપનીના સ્થાપક

1950 - એડ હેરિસ : હોલિવૂડના જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્દેશક.