વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસે રહેશે. આ પ્રવાસ દરમિયાન વડોદરા ખાતેથી તેઓ રૂ.35,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોની આધારશિલા મૂકશે તેમજ તેને દેશને સમર્પિત કરશે. આ ઉપરાંત તેઓ મુંબઈ ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2026નું ઉદ્ઘાટન કરીને સંબોધન કરશે.  

પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના નવા સેક્શન રાષ્ટ્રને સમર્પિત  

વડાપ્રધાન રૂ.20,700 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા 326 કિલોમીટર લાંબા પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના ત્રણ મહત્વપૂર્ણ સેક્શન રાષ્ટ્રને સમર્પિત કરશે. તેની સાથે જ તેઓ ન્યૂ સાણંદ (ઉત્તર), ન્યૂ મકરપુરા, ન્યૂ ઉંબરગામ અને મુંબઈના ન્યૂ જેએનપીટી (JNPT) ખાતેથી માલગાડીઓની સેવાઓને લીલી ઝંડી બતાવીને રવાના કરશે.  

આદિવાસી વિસ્તારો માટે નવી રેલવે સેવા અને લાઇનનું લોકાર્પણ

વડોદરા અને ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન સેવાનો પ્રારંભ કરાવવામાં આવશે, જેનાથી વડોદરા, છોટાઉદેપુર અને અલીરાજપુર જિલ્લાના નાગરિકોને સીધો લાભ થશે. છોટાઉદેપુર-ધાર પ્રોજેક્ટ હેઠળ નિર્માણ પામેલી જોબટ-ટાંડા રોડ નવી રેલ લાઇન પણ દેશને સમર્પિત કરાશે, જે અલીરાજપુરના દૂરસુદૂરના આદિવાસી વિસ્તારોને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડશે.


https://twitter.com/narendramodi/status/2096942331547271314


રૂ. 9,700 કરોડથી વધુના રેલવે અને હાઇવે પ્રોજેક્ટ્સનો શિલારોપણ  

વડાપ્રધાન દ્વારા રૂ.9,700 કરોડથી વધુના ખર્ચ ધરાવતા ત્રણ રેલવે પ્રોજેક્ટ્સ અને આશરે રૂ.1,780 કરોડના ખર્ચે આકાર પામનારા ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ (નેશનલ હાઇવે) પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાત સરકારના આશરે રૂ.2,600 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ પ્રસંગે તેઓ વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે.  

મુંબઈમાં ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026’નું ઉદ્ઘાટન  

મહારાષ્ટ્રના મુંબઈ ખાતે વડાપ્રધાન ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2026નું ઉદ્ઘાટન કરશે. આ વર્ષની ફિનટેક કોન્ફરન્સની મુખ્ય થીમ “અસરની ક્ષમતા : એજન્ટિક AI, ટોકનાઇઝેશન, ક્વોન્ટમ – સમાવેશી નાણાકીય વ્યવસ્થા માટે વિશ્વસનીય, કનેક્ટેડ અને વૈશ્વિક પ્રણાલીઓ” (Potential to Impact: Agentic AI, Tokenisation, Quantum – Trusted, Connected, Global Systems for Inclusive Finance) રાખવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો