17 જૂનનો દિવસ દેશ અને દુનિયા સહિત ગુજરાત માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે.PM મોદીનો ફ્રાન્સ પ્રવાસ ચર્ચામાં છે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની છે. આવો જાણીએ 17 જૂનના રોજ આયોજિત થનારી મુખ્ય રાષ્ટ્રીય,આંતરરાષ્ટ્રીય અને ગુજરાતની વિશેષ ઘટનાઓ વિશે.
1:આવતીકાલે મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત
આવતીકાલે 17 જૂને ફ્રાંસમાં વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે. જેમાં વેપાર, રોકાણ, રક્ષા ભાગીદારી, ટેકનિકલ સહયોગ અને ઈન્ડો પેસેફિક ક્ષેત્રોની સુરક્ષા પર મુખ્ય ચર્ચાઓ થશે.
2:NEET મુદ્દે રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે
NEETની પરીક્ષાનું પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાઈ રહી છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી આવતીકાલે વિદ્યાર્થીઓ સાથે ચર્ચાઓ કરશે. રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમ આવતીકાલે સાંજે સાત વાગ્યે દશહરા મેદાનના શ્રીરામ રંગમંચ પર આયોજિત કરાશે.
3:આવતીકાલે NEET મુદ્દે સુનાવણી યોજાશે
NEETની પરીક્ષાનું પેપર લીક થયા બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે આવતીકાલે ચીફ જસ્ટીસની ખંડપીઠ હેઠળ સુનાવણી યોજાશે. આ પરીક્ષા બીજી વાર યોજવા માટે પડકાર ફોંકવામાં આવ્યો છે. આગામી 21 જૂને આ પરીક્ષા યોજાશે. એ પહેલા જ સુપ્રીમ કોર્ટમાં યોજાનારી આ સુનાવણી પણ મહત્વની સાબિત થશે.
4:લખનઉમાં બ્રાહ્મણ નેતાઓની બેઠક
આવતીકાલે સમાજવાદી પાર્ટીના બ્રાહ્મણ નેતાઓની લખનઉમાં મોટી બેઠક મળવા જઈ રહી છે. જેમાં બ્રાહ્મણ મતદારોને આકર્ષવા માટે એક રોડમેપ પર મંથન કરવામાં આવશે.
5:રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ બે દિવસ ઓમકાશ્વેર પ્રવાસે
આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ બે દિવસ ઓમકાશ્વેર પ્રવાસે જશે. તેઓ મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન કરી પૂજા અર્ચના કરશે. આ ઉપરાંત સિકલ સેલ સ્વાસ્થ્ય સેવા કાર્યક્રમમાં પણ ભાગ લેશે.
6:પુના શીરડી દૈનિક એક્સપ્રેસને લીલીઝંડી
આવતીકાલે રેલવે મંત્રી મહારાષ્ટ્રમાં પુના શિરડી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે. આ ટ્રેનની મુસાફરોની સુવિધામાં વધારો થશે. મુસાફરો પુનાથી શિરડી જવા માટે રોજ ટ્રેનની સુવિધા મેળવી શકશે.
7:વિકસિત ભારત યુવા સંસદનું સમાપન
આવતીકાલે દેશમાં યોજાયેલા વિકસિત ભારત યુવા સંસદ 2026નું સમાપન થશે. સ્પીકર ઓમ બિરલા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનારને પુરસ્કાર આપશે.
8: આવતીકાલે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક
ગાંધીનગરમાં દર બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજવામાં આવે છે. બુધવારે સવારે યોજાતી આ બેઠકમાં રાજ્યના વિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે સાંજે કેબિનેટની બેઠક મળશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાતી આ બેઠકમાં રાજ્યના હિતને સ્પર્શતા અનેક મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બેઠકનો મુખ્ય એજન્ડા રાજ્યની નવી ઔદ્યોગિક નીતિ અંગેનો રહેશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
9: ગાંધીનગરમાં 17 જૂને મહિલાઓ માટે વિશેષ રોજગાર ભરતી મેળો
ગાંધીનગરની રોજગારવાંચ્છુ મહિલાઓને પગભર બનાવવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 17 જૂનના રોજ સવારે 10 કલાકે ગાંધીનગર માણસા રોડ પર બાપુ કોલેજમાં મહિલા રોજગાર ભરતીમેળો યોજાશે.
10: બોટાદ APMCના ચેરમેનની ચૂંટણી યોજાશે
ગુજરાતના રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં મોટું સ્થાન ધરાવતી બોટાદ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પદ માટેની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. APMC ના શાસક પક્ષ અને વહીવટી તંત્ર દ્વારા ચેરમેન પદની બીજી ટર્મ માટે આગામી 17 જૂન, બુધવારના રોજ ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.