રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના રથીખેડા ગામમાં ઇથેનોલ ફેક્ટરી સામે ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. બુધવારે ગ્રામજનોએ ભારે પ્રદર્શન કરતાં તણાવ વધી ગયો હતો. ગુરુવારે પણ સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. હિંસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે.
15 મહિનાથી ચાલતો વિરોધ
450 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ ઇથેનોલ પ્લાન્ટનો ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ફેક્ટરી પ્રદૂષણ વધારશે, જમીનમાંનું ભૂગર્ભજળ ઘટશે, ખેતીને ભારે નુકસાન થશે. પોલીસ અધિક્ષકના કહેવા અનુસાર, હિંસામાં કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે અને ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે. સંડોવાયેલા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ફેક્ટરીની બાઉન્ડ્રી વોલ તોડી
બુધવારે બપોરે ટિબ્બી એસડીએમ ઓફિસ સામે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા. સાંજે 4 વાગે હજારો ખેડૂતો ટ્રેક્ટર સાથે ફેક્ટરીસ્થળ પર પહોંચી ગયા અને બાંધકામાધીન બાઉન્ડ્રી વોલ તોડી નાંખી. ત્યારબાદ પોલીસ સાથે અથડામણ થઈ, જે હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ. ગુસ્સે ભરાયેલા ટોળાએ 18 વાહનોમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી.
50 થી વધુ ખેડૂતો ઘાયલ
પરિસ્થિતિ બગડતા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા. અથડામણ દરમિયાન 50થી વધુ ખેડૂતો ઘાયલ થયા છે. ઘાયલોમાં સાંગરિયા વિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય અભિમન્યુ પુનિયા પણ સામેલ છે. થોડી જ દિવસો પહેલા, 18 નવેમ્બરે વહીવટીતંત્રે વિસ્તાર ખાલી કરાવવા માટે કાર્યવાહી કરી હતી અને કલમ 163 લાગુ કરી હતી. બાદમાં ફેક્ટરીની દિવાલનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસની પ્રતિક્રિયા
કોંગ્રેસે સરકાર પર તીખું નિશાન સાધ્યું છે. અશોક ગેહલોતે સોશિયલ મીડિયા X પર લખ્યું કે—“ખેડૂતોના શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન પોલીસના બળપ્રયોગની હું સખત નિંદા કરું છું. ધારાસભ્ય અભિમન્યુ પુનિયા ઘાયલ થયા તે ચિંતાજનક છે.” કોંગ્રેસે ચેતવણી આપી છે કે ફેક્ટરી બંધ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. ચંદીગઢની ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. કંપનીનો દાવો છે કે 40 મેગાવોટ ક્ષમતાવાળો આ પ્લાન્ટ સરકારની EBP (ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ) યોજનાને મજબૂત બનાવશે.
વિવાદ કેવી રીતે ઉગ્ર બન્યો?
ઇથેનોલ ફેક્ટરી હટાવો સંઘર્ષ સમિતિ" અને વહીવટીતંત્ર વચ્ચેની ચર્ચા નિષ્ફળ ગઈ હતી. ખેડૂતો ફેક્ટરી બંધ કરવાની લખિત ખાતરી માંગતા હતા, જે વહીવટીતંત્રે આપી નહોતી. આ પછી જ સાંજે ખેડૂતોનું મોટું ટોળું ફેક્ટરી તરફ આગળ વધ્યું અને તણાવ ભડકી ઉઠ્યો.
આ પણ વાંચો : જર્યોજિયા મેલોનીએ PM મોદીને ઇટલી આવવાનુ આપ્યુ આમંત્રણ, પીએમ મોદીએ કહ્યુ હાં.....