હરિયાણાના ફરીદાબાદના સેક્ટર 24 સ્થિત એક ફેક્ટરીમાં સોમવારે ભીષણ આગ લાગ્યા બાદ મોટો બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં લગભગ 35થી વધુ લોકો દાઝ્યા હોવાની જાણકારી મળી રહી છે. ઘાયલ થયેલા લોકોમાં 3 પોલીસકર્મી અને 2 ફાયર વિભાગના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. જે રાહત અને બચાવ કામગીરી દરમિયાન આગની ઝપેટમાં આવ્યા છે.
દુર્ઘટના બાદ ઘટના સ્થળ પર અફરાતફરી મચી
મળતી માહિતી મુજબ આગ લાગ્યા બાદ ફેક્ટરી પરિસરમાં મોટો વિસ્ફોટ થયો છે. જેની ઝપેટમાં આસપાસમાંથી પસાર થઈ રહેલા લોકો પણ આવ્યા છે. દુર્ઘટના બાદ ઘટના સ્થળ પર અફરાતફરી મચી ગઈ છે. સૂચના મળતા જ ફાયર વિભાગની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. ઘાયલ થયેલા લોકોમાંથી ઘણા લોકોને સિવિલ હોસ્પિટલમાં અને ઘણા લોકોને ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તમામ લોકો ડોક્ટરની દેખરેખ હેઠળ છે.
