કલમ 142નો ઉપયોગ કરીને, CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આદેશ આપ્યો છે કે, બાકી ચુકાદાઓ 3 મહિનામાં અપાય.
તારીખ પે તારીખ બંધ!
સુપ્રીમ કોર્ટે ચુકાદાઓમાં વિલંબ અંગે તમામ હાઇકોર્ટને કડક સૂચનાઓ આપી છે. બંધારણની કલમ 142 હેઠળની પોતાની સત્તાઓનો ઉપયોગ કરીને, SC એ જણાવ્યું હતું કે, તમામ કેસોનો શક્ય તેટલી ઝડપથી નિકાલ કરવો જોઈએ. CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે તમામ હાઇકોર્ટને ત્રણ મહિનાની અંદર બાકી ચુકાદાઓ આપવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જામીનના કેસોમાં નિર્ણયો શક્ય તેટલી વહેલી તકે બીજા દિવસે અપાશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે તેના નિર્ણયમાં આ વાત કહી હતી.
જામીન અંગેનો મુખ્ય આદેશ
બેન્ચે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં અનામત રાખેલા ચુકાદાઓ મહત્તમ ત્રણ મહિનાની અંદર આપવામાં આવશે. વધુમાં, જામીનના કેસોમાં ચુકાદાઓ શક્ય તેટલી વહેલી તકે બીજા દિવસે આપવામાં આવશે, અને જેલ અધિકારીઓને તે જ દિવસે જાણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે, જે કેસોમાં વ્યક્તિઓ કસ્ટડીમાં હોય, ત્યાં અંડરટ્રાયલને તે જ દિવસે અથવા ઓછામાં ઓછા બીજા દિવસે મુક્ત કરવામાં આવે.
અન્ય બેન્સને સોંપાઇ શકે કેસ
સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે ફક્ત ઓપરેટિવ ભાગ કોર્ટમાં તાત્કાલિક જાહેર કરાશે. જ્યારે વિગતવાર કારણો સાત દિવસની અંદર અપલોડ કરવાના રહેશે. અનામત રાખેલા ચુકાદાઓની તારીખ હાઈકોર્ટની વેબસાઇટ પર ફરજિયાતપણે દર્શાવાશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જો સૂચનાઓનું પાલન ન કરાય તો કેસ બીજી બેન્ચને સોંપાશે. જો 30 દિવસમાં કારણો અપલોડ ન કરાય તો કેસ નવી બેન્ચમાં ટ્રાન્સફર થઈ શકે છે.
આ પણ વાંચોઃ પાકેલી કેરી ખાધા પછી કેમ દેખાય છે ખીલ, શુ કહે ત્વચારોગના નિષ્ણાંત?
