જ્યારે પણ ભારતમાં ભયાનક ગરમીની વાત આવે છે, ત્યારે લોકોના મગજમાં રાજસ્થાનના ચુરુ કે જેસલમેર જેવા રણપ્રદેશોના નામ સૌથી પહેલા આવે છે. પરંતુ તાજેતરના વર્ષોમાં ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં આવેલો બાંદા જિલ્લો ભારતના સૌથી ગરમ સ્થળ તરીકે ઉભરી આવ્યો છે. અહીં ગરમી એટલી પ્રચંડ અને અસહ્ય છે કે રોજ સવારે 10 વાગ્યા સુધીમાં આખો જિલ્લો સુમસામ થઈ જાય છે અને રસ્તાઓ પર અઘોષિત કરફ્યુ જેવો માહોલ સર્જાય છે.

48 ડિગ્રી તાપમાન અને બદલાયેલી જીવનશૈલી

તાજેતરના આંકડા મુજબ, એપ્રિલ મહિનામાં જ બાંદાનું તાપમાન 47.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેણે 1951 પછીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ત્યારબાદ મંગળવારે પારો 48.2 ડિગ્રી સેલ્સિયસના સ્તરને વટાવી ગયો હતો. આ આકરી ગરમીના કારણે સ્થાનિક લોકોની દિનચર્યા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. બજારના વેપારીઓ સવારે 6 વાગ્યે દુકાનો ખોલે છે અને 10 વાગતા સુધીમાં બજારો નિર્જન થઈ જાય છે. ગ્રાહકો સીધા સૂર્યાસ્ત પછી જ બહાર નીકળે છે. ગરમીની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ખેડૂતો હવે દિવસે ખેતરોમાં કામ કરવાના બદલે રાત્રે એલઈડી (LED) ફ્લડલાઈટના સહારે ખેતી કરી રહ્યા છે. મજૂરો પણ બપોરના સમયે કામ ન કરી શકતા હોવાથી પોતાના વેતનના 40 ટકા સુધીનું નુકસાન સહન કરવા મજબૂર બન્યા છે.

પર્યાવરણનો વિનાશ છે અસલી ગુનેગાર

પર્યાવરણીય સંશોધકો અને વૈજ્ઞાનિકોના મતે બાંદાની આ સ્થિતિ માત્ર ગ્લોબલ વોર્મિંગના કારણે નથી, પરંતુ સ્થાનિક સ્તરે વર્ષોથી થયેલા પર્યાવરણીય વિનાશનું પરિણામ છે.

અભ્યાસના ચોંકાવનારા આંકડા: બાંદા કૃષિ યુનિવર્સિટી અને અન્ય સંશોધકોના અહેવાલ (2025) મુજબ, 2005 માં બાંદામાં આશરે 120ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર હતો, જે ઘટીને માત્ર 95 ચોરસ કિલોમીટર રહી ગયો છે. જિલ્લાએ પોતાના ગાઢ જંગલોનો છઠ્ઠો ભાગ ગુમાવી દીધો છે.

જંગલોના નિકંદન પાછળ પહાડોમાં મોટા પાયે થતું ગેરકાયદેસર ખાણકામ અને કૃષિ અતિક્રમણ મુખ્ય કારણો છે. વિંધ્યન પર્વતમાળાના રેતીના પથ્થરો ચોમાસામાં પાણી શોષીને ભૂગર્ભજળ રિચાર્જ કરતા હતા, પરંતુ ભારે બ્લાસ્ટિંગના કારણે 25 ટકા પહાડો નાશ પામ્યા છે.

નદીઓ સુકાઈ અને પાવર ગ્રીડ ફેઈલ

પહાડોની સાથે બાંદાની જીવાદોરી સમાન કેન, રંજ અને બગાઈ જેવી નદીઓમાંથી દરરોજ આશરે 55,000 ટન લાલ રેતીનું ગેરકાયદેસર ઔદ્યોગિક ખોદકામ થાય છે. રેતી ખતમ થતાં નદીઓ પથરાળ બની ગઈ છે અને પાણી રોકવાની ક્ષમતા ગુમાવી ચૂકી છે, જેના લીધે કુવા અને બોરવેલ દર વર્ષે વહેલા સુકાઈ જાય છે. આ ગરમીની અસર વીજ પુરવઠા પર પણ પડી છે. જિલ્લાના ૪૪ સબસ્ટેશનો પર અતિશય લોડ અને તાપમાનને કારણે ટ્રાન્સફોર્મર બળી ન જાય તે માટે કર્મચારીઓ સતત તેના પર પાણીનો છંટકાવ કરી રહ્યા છે. ભૂસ્તરશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે જો આ પર્યાવરણીય અધોગતિને તાત્કાલિક રોકવામાં નહીં આવે, તો આગામી બે દાયકામાં બાંદા માનવ વસવાટ માટે તદ્દન અયોગ્ય અને ઉજ્જડ બની જશે.

આ પણ વાંચોઃ Japan અને China માં ભૂકંપના જોરદાર આંચકા,ઇમારતો હચમચી ગઈ