વર્તમાન સમયમાં દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. વાદળ ફાટવાની ઘટનાઓ, સતત પૂર અને ભૂસ્ખલનને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને આસામમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની ચૂકી છે, જ્યાં એક જ દિવસમાં દસ લોકોના મોત થવાને કારણે આ વર્ષના પૂરથી કુલ મૃત્યુઆંક વધીને 41 પર પહોંચી ગયો છે. આ કુદરતી આપત્તિના કારણે રાજ્યના 11 જિલ્લાઓમાં 65 લાખથી વધુ લોકો સીધી કે આડકતરી રીતે પ્રભાવિત થયા છે.
https://twitter.com/ANI/status/2080187330925858975
પૂરગ્રસ્ત વિસ્તારોની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસામના મુખ્ય સચિવ રવિ કોટાએ પૂરગ્રસ્ત વિસ્તારોની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ સમીક્ષામાં ખાસ કરીને ચરાઈદેવ, શિવસાગર, જોરહાટ અને ગોલાઘાટ જેવા સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (ASDMA) દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની ઘણી મોટી અને જાણીતી નદીઓ હાલમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રીએ જાતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત
આ ભયાનક પૂરની સ્થિતિનો સામનો કરવા માટે વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. ફસાયેલા લોકોની સહાય માટે સેના, ભારતીય વાયુસેના અને અન્ય આપત્તિ રાહત એજન્સીઓને કામે લગાડવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ દુર્ગમ અને દૂરના વિસ્તારોમાં જ્યાં રાહત સામગ્રી પહોંચાડવી મુશ્કેલ છે, ત્યાં ખાસ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખોરાક અને આવશ્યક પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા જાતે જ ગોલાઘાટ, જોરહાટ અને શિવસાગર જેવા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને રાહત-બચાવ કામગીરીનું જાતે નિરીક્ષણ કરીને પીડિતો સાંત્વના પાઠવી રહ્યા છે.
મહારાષ્ટ્રના પાલઘરમાં પણ ભારે વરસાદથી જળબંબાકાર
માત્ર આસામ જ નહીં, પરંતુ મહારાષ્ટ્રના પાલઘર અને થાણે સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં પાણી ભરાવાથી એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે. હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેના પગલે તંત્ર સંપૂર્ણપણે સાવધ છે અને નાગરિકોને પણ સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Paper Leak: જંતર મંતર પ્રદર્શન વચ્ચે ઉત્તરાખંડમાં બે પેપર લીક, દોષિત પ્રોફેસર સાત વર્ષ માટે સસ્પેન્ડ