મધ્યપ્રદેશમાં ભારે વરસાજને કારણે નદીઓ અને નાળા ગાંડાતુર બનીને વહી રહ્યા છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે પરિસ્થિતિની ગંભીરતા પારખી આગામી ત્રણ દિવસ માટે અત્યંત સાવચેતી રાખવા કડક ચેતવણી જારી કરી છે.
ભિંડ જિલ્લામાં હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
ખાસ કરીને ભિંડ જિલ્લામાં સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. અહીં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સરેરાશ કરતા ૧૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે અને અનેક નાના-મોટા પુલો પાણીમાં ડૂબી જવાથી સંપર્ક વ્યવસ્થા તૂટી ગઈ છે. સામાન્ય જનજીવન પર આ કુદરતી આફતની ઘેરી અસર પડી છે, અને ગ્રામીણ વિસ્તારોમાં ખેતીવાડી અને પશુપાલનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
મધ્યપ્રદેશના ઉત્તરીય ભાગો પર 24 કલાક ભારે વરસાદનું સંકટ
હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, મધ્યપ્રદેશના ઉત્તરીય ભાગો પર આગામી ૨૪ કલાક ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. આ સંભવિત વિનાશને ધ્યાનમાં રાખીને મુરેના, ગ્વાલિયર, દતિયા, શિવપુરી, નિવારી, ટીકમગઢ, રાજગઢ, અગર-માલવા અને રતલામ જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને અત્યંત સાવધ રહેવા અને નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
અનેક વિસ્તારોમાં પડી શકે ગાજવીજ સાથે વરસાદ
ઓરેન્જ એલર્ટ ઉપરાંત, નીમચ, ઉજ્જૈન, શાજાપુર, શ્યોપુર, ગુના, અશોકનગર, વિદિશા, સાગર, દમોહ, છતરપુર અને પન્ના જેવા જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. આગામી દિવસોમાં જો વરસાદની તીવ્રતામાં ઘટાડો નહીં થાય, તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલ તો રાજ્યના નાગરિકો માટે આ ચોમાસું રાહતને બદલે આફત બનીને ત્રાટક્યું છે, જેમાં સુરક્ષા અને સાવચેતી જ એકમાત્ર ઉપાય જણાય છે.
આ પણ વાંચોઃ Weather Updates: દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે આખા દેશમાં સક્રિય, જગતનો તાત ખુશખુશાલ