હિમાચલ પ્રદેશમાં શુક્રવારની રાત કાળી રાત સાબિત થઈ છે.સમગ્ર રાજ્યમાં રાત્રે ભૂકંપના એક પછી એક એમ ત્રણ તીવ્ર આંચકા અનુભવાયા હતા,જેના કારણે લોકોમાં ભારે ગભરાટ અને નાસભાગનો માહોલ સર્જાયો હતો.ભૂકંપનો મુખ્ય આંચકો રિક્ટર સ્કેલ પર 5.0 ની તીવ્રતાનો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ચંબા જિલ્લો હતો. આ ગમખ્વાર કુદરતી આપત્તિને કારણે કાંગરા જિલ્લાના ધર્મશાળા સહિતના વિસ્તારોમાં અનેક ઘરોમાં મોટી તિરાડો પડી ગઈ છે,જ્યારે એક સરકારી હોસ્પિટલની ઈમારતને પણ મોટું નુકસાન થયું છે.આખી રાત ધરતી ધ્રુજતી રહેતા લોકો ભયના કારણે ઘરની બહાર રસ્તા પર વિતાવવા મજબૂર બન્યા
એક જ રાતમાં ત્રણ આંચકાથી ધ્રુજ્યું હિમાચલ
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે સૌથી પહેલો અને સૌથી શક્તિશાળી આંચકો રાત્રે 10:04 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. આ આંચકો એટલો ભયાનક હતો કે લોકો કશું સમજે તે પહેલાં જ ઘરના વાસણો અને પંખા જોરજોરથી હલવા લાગ્યા હતા. ત્યારબાદ કુદરતનો આ પ્રકોપ અહીં જ ન અટક્યો, જમીન વધુ બે વાર જોરદાર રીતે ધ્રુજી ઉઠી હતી. બીજો આંચકો બરાબર એક કલાક પછી એટલે કે રાત્રે 11:04 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા 2.8 ની હતી. જ્યારે ત્રીજો આંચકો મધ્યરાત્રિએ 11:52 વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા 3.0 ની નોંધાઈ હતી. આ ત્રણેય આંચકાઓનું કેન્દ્રબિંદુ ચંબા જિલ્લામાં જમીનની અંદર હોવાને કારણે ચંબા અને તેની આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ ધ્રુજારી અનુભવાઈ હતી. આ આંચકાઓનો વ્યાપ એટલો મોટો હતો કે પાડોશી રાજ્ય પંજાબના પણ કેટલાક વિસ્તારોમાં કંપન અનુભવાયું હતું.













