વોટ ચોરીને મુદ્દો બનાવીને દેશભરમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી ચૂંટણી પંચને આડેહાથ લેતા કહ્યું કે તેમણે કર્ણાટકમાં આલંદ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મતદારોના નામ કાઢી નાખીને તેમના પક્ષને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એમ પણ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચની સિસ્ટમને હેક કરીને સોફ્ટવેરથી એક સાથે અનેક લોકોના નામ વોટર લિસ્ટમાંથી હટાવી દીધેા છે. અને આ વિશે કર્ણાટક સીઆઇડીએ ચૂંટણી પંચને તપાસમાં સહયોગ કરવાની વાત કરી છે. ત્યારે તેમણે કોઇ જવાબ ન આપ્યો.
ચૂંટણીય યાદીમાંથી કોઈનું નામ ક્યારે કાપી શકાય છે?
મતદાતા યાદીમાંથી નામ ત્યારે જ દૂર કરવામાં આવે છે જ્યારે વ્યક્તિનું અવસાન થયું હોય, તે ક્યાંક બીજા સ્થળે શિફ્ટ થયો હોય અને હવે તે સરનામે ન રહેતો હોય, કોઈ કાયદાકીય અધિનિયમ પ્રમાણે મતદાન માટે અયોગ્ય બનેલો હોય, અથવા તેનું નામ ભૂલથી બે વાર ચઢાવવામાં આવ્યું હોય.
કેવી રીતે અને કોણ નામ દૂર કરવા માટે અરજી કરી શકે ?
નામ દૂર કરવા માટે ફોર્મ-7 ભરવું પડે છે. આ ફોર્મ ઓનલાઇન NVSP પોર્ટલ કે વોટર હેલ્પલાઇન એપ પરથી ભરવું શક્ય છે. જો કોઈને ઓનલાઇન નહીં કરવું હોય તો તેઓ આ ફોર્મ પ્રિન્ટ કરીને ચૂંટણી નોંધણી અધિકારી (ERO) કે સહાયક અધિકારી (AERO) ને આપી શકે છે.
નામ ડિલીટ કરતા પહેલા અધિકારી કેવી રીતે તપાસ કરે છે?
ફોર્મ મળ્યા બાદ બૂથ લેવલ અધિકારી ઘરે જઇને તપાસ કરે છે. જો કોઇનુ મૃત્યુ થયુ છે તો પડોશીઓ પાસેથી જાણકારી લે છે. જો શિફ્ટ થયાનો કેસ હોય તો પણ ખાતરી કરવામાં આવે છે કે વ્યક્તિ હવે ત્યાં નથી રહેતો.
નોટિસ અને જવાબ આપવા માટે તક આપવામાં આવે છે ?
નામ કાપતાં પહેલા ચૂંટણી અધિકારી સંબંધિત મતદાતા કે તેના પરિવારને નોટિસ મોકલે છે. જેમાં પૂછવામાં આવે છે કે તેનું નામ કેમ દૂર ન કરવામાં આવે. જો વ્યક્તિ પોતાનો પક્ષ મૂકવા માગે તો તેને તક આપવામાં આવે છે.
વોટરનું નામ દૂર કરવાનો અંતિમ નિર્ણય કેવી રીતે લેવાય છે ?
બધી તપાસ અને જવાબ સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારી અંતિમ આદેશ આપે છે. જો કારણ યોગ્ય હોય તો નામ દૂર કરવામાં આવે છે. જો કારણ ખોટું હોય તો નામ યાદીમાં જ રહે છે.
વોટર યાદીમાંથી નામ દૂર થયા બાદ પણ રહે છે અપિલનો હક..
જો કોઈનું નામ ખોટી રીતે કાપવામાં આવ્યું હોય તો તે વ્યક્તિ 15 દિવસની અંદર અપિલ કરી શકે છે. આ અપિલ જિલ્લાની ચૂંટણી અધિકારી (DEO) કે મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પાસે કરી શકાય છે. જરૂર પડે તો હાઈકોર્ટ સુધી પણ જઈ શકાય છે.
કોઇ બહારી વ્યક્તિ સોફ્ટવેરની મદદથી વોટ ડિલીટ કરવો સંભવ છે?
સિક્યોરિટી અને ઓથેન્ટિકેશન- NVSP પોર્ટલ પર દરેક આવેદના માટે મોબાઇલ OTP, ઇમેલ વેરિફિકેશન અથવા આધાર લિંકિગ જેવી પ્રક્રિયાઓ હોય છે. કોઇ પણ બહારી સોફ્ટવેર આ સિક્યોરિટી લેયરને બાયપાસ નથી કરી શકતો.
કાનૂની જવાબદારી- ચૂંટણી પંચ માત્ર પોતાની અધિકારિક વેબસાઇટ કે એપ (NVSP, Voter Helpline, CEO State Websites)ને જ માન્ય માને છે. કોઇ બહારી ટૂલથી નાખેલા ડેટાને સાચા નથી માનવામાં આવતા.
કેપ્ચા અને ડેટા પ્રોટેક્શન- NVSP પોર્ટલમાં કેપ્ચા વેરિફિકેશન અને ડેટા એન્ક્રિપ્શન હોય છે, આ સિસ્ટમ બોટ અથવા ઓટો-ફિલ સોફ્ટવેરથી બચાવવા માટે બનાવવામાં આવ્યુ છે.
ચૂંટણી પંચે કહ્યું – કોઈ પણ બહારનો વ્યક્તિ નામ ડિલીટ નથી કરી શકતો
રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચે પોતાની રીતે ફેક્ટ ચેક કર્યું છે. પંચે પોતાના ટ્વીટની પહેલી લાઈનમાં જ કહ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા કોઈ પણ મતદાતાનું નામ દૂર કરાવવું શક્ય નથી, જેમ કે રાહુલ ગાંધી કહી રહ્યા છે. તેઓ જેમનું ઉદાહરણ આપી રહ્યા છે તે અલંદ વિધાનસભા ક્ષેત્રમાં 2023ની ચૂંટણીઓમાં આવી કેટલીક કોશિશો થઈ હતી, જેની FIR પણ ચૂંટણી પંચ દ્વારા જ નોંધાવવામાં આવી હતી. અને રસપ્રદ વાત એ છે કે અલંદ વિધાનસભા ક્ષેત્ર 2018માં ભાજપે જીત્યું હતું, જે 2023માં કોંગ્રેસના હાથે હારી ગયુ હતુ.