ગણેશોત્સવ પર્વ નિમિત્તે હૈદરાબાદના બેગમ બજારમાં આ વખતે એક અદ્ભુત અને અલૌકિક ગણેશ પ્રતિમાનું સ્વાગત કરવામાં આવ્યું છે. 'લી-ચી કા રાજા' તરીકે ઓળખાતી આ પ્રતિમા ભલે શહેરની સૌથી ઊંચી મૂર્તિ ન હોય, પરંતુ તેની ભવ્યતા અને ચમક દર્શનાર્થીઓનું ધ્યાન ખેંચી રહી છે. ૨૪ કેરેટ સોનાના ઢોળ અને ૩,૮૩,૮૦૦ અમેરિકન હીરાઓથી શણગારેલી આ ગણેશ મૂર્તિ પર જ્યારે રોશની પડે છે, ત્યારે આખી પ્રતિમા અદભુત તેજથી ઝળકી ઊઠે છે.
લાલબાગચા રાજા અને તિરુપતિ બાલાજીનું અનોખું સંગમ
આ પ્રતિમાની ડિઝાઇન મુંબઈના વિશ્વપ્રસિદ્ધ 'લાલબાગચા રાજા' અને દક્ષિણ ભારતના પવિત્ર 'તિરુપતિ બાલાજી'ના રૂપથી પ્રેરિત છે. પ્રતિમા પંચધાતુમાંથી બનાવવામાં આવી છે, જેનો મુખ્ય આધાર પિત્તળનો છે. મૂર્તિના પાછળના ભાગમાં ભગવાન વિષ્ણુના દશાવતાર કોતરવામાં આવ્યા છે, જ્યારે શીર્ષ ભાગ પર ભગવાન વેંકટેશ્વર (તિરુપતિ બાલાજી)નું રૂપ દર્શાવવામાં આવ્યું છે. આ અનોખા સંગમને કારણે ભક્તોમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.
૮ કારીગરોએ ૮ મહિનાની અથાક મહેનતથી તૈયાર કરી મૂર્તિ
બેગમ બજાર સ્થિત 'લીચી પર્લ્સ એન્ડ જ્વેલ્સ'ના નિકિતેશ અગ્રવાલ અને આયોજક આધાર અગ્રવાલના જણાવ્યા મુજબ, અંદાજે ૪૮ કિલોગ્રામ વજન ધરાવતી આ પ્રતિમાને બનાવવામાં આઠ મહિનાનો સમય લાગ્યો છે. ૮ અત્યંત કુશળ કારીગરોએ પોતાની આર્ટિફિશિયલ જ્વેલરી બનાવવાની નિપુણતાનો ઉપયોગ કરીને આ જટિલ કારીગરી પૂર્ણ કરી છે. સોશિયલ મીડિયા પર બાપ્પાના આગમનના વાયરલ વીડિયોમાં ભક્તોનો ભારે ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાય છે.