હૈદરાબાદમાં 'TG SAFE' તરીકે ઓળખાતા ખાદ્ય સુરક્ષા વિભાગે (Food Safety Department) વિવિધ ફાસ્ટ-ફૂડ આઉટલેટ્સ અને રેસ્ટોરન્ટ્સ પર દરોડા પાડ્યા હતા. જેમાં KFC અને Domino’s ના કુલ ૨૬ આઉટલેટ્સની તપાસ કરવામાં આવી હતી.


આ દરોડા બાદ, TG SAFE એ KFC ના 7 અને Domino’s ના 2 આઉટલેટ્સના FSSAI લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. તપાસ દરમિયાન આ સ્થળોએ અનેક નિયમોના ઉલ્લંઘન જોવા મળ્યા હતા. 

જેમાં રસોડામાં વંદાનું હોવું અને એક્સપાયરી ડેટ (મુદત પૂરી થઈ ગઈ હોય તેવી) ખાદ્ય સામગ્રી મળી આવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.


KFC અને Domino’s ના લાયસન્સ સસ્પેન્ડ

સત્તાવાળાઓએ મિયાપુર, ચારમિનાર, બંજારા હિલ્સ, સિંધી કોલોની, મૂસા રામ બાગ, શિલ્પા કલા વેદિકા અને ઇનઓર્બિટ મોલમાં આવેલા KFC આઉટલેટ્સ, તેમજ સારથ સિટી મોલ અને ઇનઓર્બિટ મોલમાં આવેલા Domino’s આઉટલેટ્સના લાયસન્સ સસ્પેન્ડ કરવાના આદેશો જારી કર્યા છે.


KFC અને Domino’s ના આ સ્થળોએ રસોડામાં વંદા મળી આવ્યા, ઉંદરના મળના અવશેષો જોવા મળ્યા, એક્સપાયર થયેલો ખોરાક સંગ્રહિત હતો, અને રસોઈના તેલને 'સાફ' કરવા કે તેની પ્રક્રિયા કરવા માટે અનધિકૃત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. અધિકારીઓએ ૫૨ કિલોગ્રામ સિન્થેટિક મેગ્નેશિયમ સિલિકેટ પણ જપ્ત કર્યું છે અને ખાદ્ય પદાર્થોના 20 નમૂના એકત્ર કર્યા છે. જે આઉટલેટ્સના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને તાત્કાલિક કામગીરી બંધ કરવા સૂચના આપવામાં આવી છે.


અન્ય 8 સંસ્થાનોના લાયસન્સ પણ સસ્પેન્ડ

એક અલગ કાર્યવાહીમાં, ખાદ્ય સુરક્ષા નિયમોના ઉલ્લંઘન બદલ ખાદ્ય સુરક્ષા વિભાગે અન્ય ૮ ખાણીપીણીના સ્થળોના લાયસન્સ પણ સસ્પેન્ડ કર્યા છે. આમાં 'બિરયાની બાય કિલો' (Biryani By Kilo), 'કુલચા કલ્ચર' (Kulcha Culture) અને 'ITC આશીર્વાદ સોલ ક્રિએશન્સ' (ITC Aashirvaad Soul Creations) જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.


TG SAFE એ આ આઉટલેટ્સને તાત્કાલિક તેમનો વ્યવસાય બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. વધુમાં, Swiggy અને Zomato જેવા પ્લેટફોર્મ્સને સૂચના આપવામાં આવશે કે જ્યાં સુધી આ આઉટલેટ્સના લાયસન્સ ફરીથી બહાલ ન થાય, ત્યાં સુધી તેઓએ આ સસ્પેન્ડ થયેલી શાખાઓને પોતાની સેવાઓમાંથી હટાવી લેવી. સત્તાવાળાઓ દ્વારા 8 'સુધારણા નોટિસ' (improvement notices) અને 5 'કારણ દર્શાવો નોટિસ' (show-cause notices) જારી કરવામાં આવશે. ત્યારબાદ દંડ ફટકારવા જેવી વધુ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.


આ પણ વાંચો: Hussain Dalwai: શું કોંગ્રેસ છોડી બીજેપીમાં સામેલ થશે સેમ પિત્રોડા? કોંગ્રેસ નેતાના નિવેદન પર ગુસ્સામાં કહી દીધું 'પાગલ'