ભારતીય વાયુસેના (IAF) ની યુદ્ધ ક્ષમતા અને આક્રમકતામાં વધારો કરવાના હેતુથી સંરક્ષણ મંત્રાલયે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વાયુસેના માટે 160 સેટેલાઇટ સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન (SAT-SAAW) અને તેને સંબંધિત સાધનસામગ્રીની ખરીદી માટે ભારત ડાયનામિક્સ લિમિટેડ (BDL) સાથે સત્તાવાર કરાર કરવામાં આવ્યા છે. 'બાય (ઇન્ડિયન-ઇન્ડિજિનસલી ડિઝાઇન, ડેવલપ્ડ એન્ડ મેન્યુફેક્ચર્ડ)' કેટેગરી હેઠળ રૂ. 810.79 કરોડના ખર્ચે આ કરાર નવી દિલ્હી ખાતે સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

ગ્રાઉન્ડ એટેક સચોટ બનાવશે SAAW

સેટેલાઇટ સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન (SAT-SAAW) એ હવામાંથી જમીન પર ચોક્કસ નિશાન સાધી શકતું સ્માર્ટ પ્રિસિઝન ગાઇડેડ ગ્લાઇડ બોમ્બ છે. આ સ્વદેશી હથિયારને વાયુસેનાના જગુઆર, હોક અને સુખોઈ-30 MKI જેવા પ્રબળ ફાઇટર જેટ્સ પરથી સફળતાપૂર્વક લોન્ચ કરી શકાશે. તે દુશ્મન દેશની સીમામાં પ્રવેશ્યા વિના લાંબા અંતર (સ્ટેન્ડ-ઓફ રેન્જ) પરથી જ દુશ્મનના એરફીલ્ડ, રનવે અને સૈન્ય મથકોને ક્ષણભરમાં તબાહ કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે.

2027થી સપ્લાય શરૂ થશે 

આ આધુનિક હથિયાર પ્રણાલીને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી ધોરણે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે, જેમાં 60 ટકાથી વધુ ભારતીય સામગ્રીનો ઉપયોગ કરાશે. આ સાથે જ ઇનિશિયલ મેઝરમેન્ટ યુનિટ અને લોન્ગ ઇમ્પેક્ટ ડિલે ફ્યુઝ જેવી આધુનિક સબ-સિસ્ટમ્સનું પણ દેશમાં જ ઉત્પાદન થશે. આ સ્માર્ટ હથિયારોનો પુરવઠો વર્ષ 2027-28 થી 2028-29 વચ્ચે વાયુસેનાને સોંપવામાં આવશે, જેનાથી ભારતની સંરક્ષણ ક્ષમતા અને આત્મનિર્ભરતાને નવી ઊંચાઈ મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો