ભેળસેળયુક્ત ચીઝ અને બગડેલા દૂધ સામે કડક ઝુંબેશ ચલાવ્યા બાદ, મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) હવે સ્વાસ્થ્યના નામે વેચાતા ન્યુટ્રાસ્યુટિકલ્સ અને હેલ્થ સપ્લિમેન્ટ્સ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. FDA કમિશનર અને IAS અધિકારી તુકારામ મુંડેએ સંકેત આપ્યો છે કે સપ્લિમેન્ટ્સના માર્કેટમાંથી મળેલા તારણો ખૂબ જ ચિંતાજનક છે, જેના કારણે ટૂંક સમયમાં જ આ અંગે એક નવો અને કડક આદેશ જારી કરવામાં આવશે.

માત્ર પેકેજિંગ નહીં, પ્રોડક્ટના ઘટકો અને વેચાણની પણ થશે તપાસ

એક મીડિયા અહેવાલ મુજબ, તુકારામ મુંડેએ જણાવ્યું હતું કે બજારમાં ઘણા સપ્લિમેન્ટ્સ ડૉક્ટરની સલાહ વિના વેચાઈ રહ્યા છે. ઘણી વખત પ્રોડક્ટના પેકેજિંગ પર જે ઘટકો લખેલા હોય છે, તે લેબ ટેસ્ટિંગ દરમિયાન ગેરહાજર હોય છે અથવા તેના દાવા ગેરમાર્ગે દોરનારા હોય છે. નવા ઓર્ડર હેઠળ માત્ર લેબલિંગ જ નહીં, પરંતુ પ્રોડક્ટના વાસ્તવિક ઘટકો, તેના ઉપયોગની રીત, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂરિયાત અને કંપનીઓ દ્વારા તે કેવી રીતે વેચવામાં આવે છે તે તમામ બાબતોનું ઊંડું નિરીક્ષણ કરવામાં આવશે.

બાળકો બાદ હવે યુવાનોના સ્વાસ્થ્ય પર લક્ષ્ય

FDA ની આ કાર્યવાહી એક યોજનાબદ્ધ વ્યૂહરચનાનો ભાગ છે. અગાઉ ૨ વર્ષ સુધીના બાળકો માટે શિશુ ખોરાક અને ૨ થી ૧૮ વર્ષના બાળકો માટે શાળાઓની આસપાસ હાઈ-ફેટ અને હાઈ-સુગર વાળા ખોરાક પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કરાયો હતો. હવે ન્યુટ્રાસ્યુટિકલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને યુવા વર્ગના આરોગ્યની સુરક્ષા કરવાનો ધ્યેય છે. ભારતમાં ડાયેટરી સપ્લિમેન્ટ માર્કેટ ૨૦૨૫ માં ₹૨૦,૧૪૬ કરોડનું હતું, જે ૨૦૩૪ સુધીમાં ₹૫૭,૨૬૨ કરોડ થવાનો અંદાજ છે. આથી, વધતી તપાસથી ગ્રાહકોને નકલી પ્રોડક્ટ્સથી સુરક્ષા મળશે.

"હું કોઈ નેશનલ હિરો નથી, જાહેર સેવક છું": તુકારામ મુંડે

સોશિયલ મીડિયા પર ચાલી રહેલા મીમ્સ અને હેડલાઈન્સ અંગે મુંડેએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ન તો કોઈ હીરો છે કે ન તો નેશનલ હિરો; તેઓ માત્ર એક જાહેર સેવક છે. 21 વર્ષની સેવામાં 25 વખત બદલીનો સામનો કરી ચૂકેલા મુંડેએ જણાવ્યું કે દરેક પદ પર ફરજ બજાવવી જરૂરી છે. ગણેશ ઉત્સવ દરમિયાન કાર્યવાહી અંગેના વિવાદ પર તેમણે ઉમેર્યું કે તેમનું ક્ષેત્ર તહેવાર નહીં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસવાનું છે, જેમાં ધર્મ કે સંસ્કૃતિ વચ્ચે આવતા નથી.

ભ્રષ્ટાચારના આરોપો પર કડક ચેતવણી

હોટલ અને રેસ્ટોરન્ટ્સ પાસેથી પૈસા ઉઘરાવવાના આરોપો પર કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો કોઈ પાસે નક્કર માહિતી હોય તો તેઓ સીધી તેમને ફરિયાદ કરી શકે છે. તેમણે પોતાના અધિકારીઓને ચેતવણી આપતાં કહ્યું કે લાંચ-રુશ્વત કે ગેરરીતિમાં સામેલ કોઈપણ વ્યક્તિ સામે અત્યંત ગંભીર પરિણામો લાવનારી કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો : UP ATS: પાકિસ્તાની આતંકવાદી શહઝાદ ભટ્ટીના નેટવર્કનો બોલાશે ખાત્મો ! UP ATSએ 15 જિલ્લામાં રેડ પાડી