નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ હવે ભારતમાં પણ કુદરતી આપત્તિનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. IIT મંડી દ્વારા કરવામાં આવેલા એક ચોંકાવનારા અભ્યાસમાં ખુલાસો થયો છે કે હિમાલય ક્ષેત્રમાં આવેલા ગ્લેશિયર તળાવોમાંથી 9 થી 12 તળાવો અત્યંત ખતરનાક સ્થિતિમાં છે અને ગમે ત્યારે નેપાળ જેવી મોટી આપત્તિનું કારણ બની શકે છે. સંશોધકોના મતે, છેલ્લા એક દાયકામાં આ હિમનદીઓથી ભરેલા તળાવોના કદમાં 30 થી 60 ટકાનો મોટો વધારો થયો છે, જેના કારણે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) જેવી ઘટનાઓનું જોખમ અનેકગણું વધી ગયું છે.
હિમાલયમાં મોટો કુદરતી ખતરો
હિમાલયના પ્રદેશોમાં વધતું પ્રવાસન, અનિયંત્રિત બાંધકામ અને પ્રદૂષણ આ હિમનદીઓના ઝડપી પીગળવા માટે મુખ્ય જવાબદાર પરિબળો છે. વાહનોની અવરજવર અને માનવ પ્રવૃત્તિઓથી ઉત્સર્જિત થતી ધૂળ તથા કાર્બન બરફની સપાટી પર જમા થાય છે, જેનાથી એક કાળો પડ બને છે. આ પડ સૂર્યની ઉર્જાને વધુ શોષી લે છે અને બરફને ઝડપથી પીગળાવે છે. આ ઉપરાંત, પર્વતીય વિસ્તારોમાં પર્માફ્રોસ્ટ (સતત થીજી ગયેલા ખડકો અને માટીનો સ્તર) પીગળવાને કારણે ભૂસ્ખલનનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી ગયું છે.
IIT રિસર્ચ પ્રમાણે 9 થી 12 તળાવ અત્યંત જોખમી
નેપાળમાં ૨૬ ઓગસ્ટે સર્જાયેલી દુર્ઘટનામાં હિમનદી તૂટવાથી અને ભૂસ્ખલન થવાથી ભારે તારાજી સર્જાઈ હતી, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો હજુ પણ ગુમ છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) અને IIT મંડીએ હિમાચલ પ્રદેશના કેટલાક ચોક્કસ તળાવો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. NDMA દ્વારા ચાર તળાવો (જેમાં ઘેપન, વાસુકી, કાશાંગ અને બાસ્પા નજીકનું તળાવ સામેલ છે) ઓળખવામાં આવ્યા છે, જ્યારે IIT મંડીના સર્વેક્ષણ મુજબ ઘેપન, યોચે અને કાલી કુંડ જેવા તળાવો વસ્તીની નજીક હોવાને કારણે સૌથી મોટો ખતરો બની રહ્યા છે.
https://twitter.com/ANI/status/2094981511804232132
પર્વતોમાં કનેક્ટિવિટી વધારવી જરૂરી
નિષ્ણાતોનું માનવું છે કે પર્વતોમાં કનેક્ટિવિટી વધારવી જરૂરી છે, પરંતુ તે વિકાસ નિયંત્રિત અને આયોજનબદ્ધ રીતે થવો જોઈએ. જો વહેલી તકે આ સંવેદનશીલ તળાવોની દેખરેખ રાખીને યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે, તો ભવિષ્યમાં હિમાલયના આ પ્રદેશોમાં મોટો માનવ સંહાર થઈ શકે છે.
આ પણ વાંચોઃ ઘરમાં કૃત્રિમ છોડ રાખતા પહેલા સાવધાન, થઇ શકે છે ભારે નુકસાન!