હાલ દેશભરમાં વરસાદી માહોલ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અનેક રાજ્ય વરસાદ વરસ્યો છે. તેમજ વહેલી સવારથી ગુજરાતમાં પણ અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. તેમજ ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે, ભારે વરસાદ વચ્ચે મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે, ત્યારે આ વચ્ચે હવે દેશના વિવિધ રાજ્યોમાં શુક્રવારે (18 સપ્ટેમ્બર) ભારે વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 21 રાજ્યોમાં મુશળધાર વરસાદની સંભાવના છે અને પવનની ગતિ 85 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. IMDએ અનેક રાજ્યોમાં વીજળી પડવાની શક્યતા અંગે પણ ચેતવણી આપી છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હાલ ભારે વરસાદને લઈને 4 વાગ્યા સુધી 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે તો ગીર સોમનાથ,અમરેલી,ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ બોટાદ,અમદાવાદ,ગાંધીનગર, અરવલ્લી,ખેડા,આણંદ, મહિસાગર,પંચમહાલ,દાહોદ, વડોદરા,ભરુચ,નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
IMDના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર થાઈલેન્ડ પર સક્રિય ચક્રવાતી પરિભ્રમણ (સાયક્લોનિક સર્ક્યુલેશન) 18 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ઉત્તર આંદામાન સમુદ્રમાં પહોંચવાની શક્યતા છે. તેની અસર હેઠળ, 19 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં તે જ વિસ્તારમાં લો-પ્રેશર (હવાનું ઓછું દબાણ)નું ક્ષેત્ર રચાઈ શકે છે. શનિવારથી પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે દિલ્હી-NCRમાં આકાશ આંશિક વાદળછાયું રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ અથવા ઝાપટાંની શક્યતા છે. મહત્તમ તાપમાન 33°C થી 35°C ની વચ્ચે રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22°C થી 24°C ની વચ્ચે રહેવાની ધારણા છે.
બંગાળ, બિહાર અને ઝારખંડમાં વરસાદ
હવામાન વિભાગે 18 થી 23 સપ્ટેમ્બર દરમિયાન પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન વીજળીના કડાકા સાથે વાવાઝોડું આવવાની પણ શક્યતા છે. વિભાગે જણાવ્યું હતું કે 18 સપ્ટેમ્બરે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદ સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે.
https://twitter.com/Indiametdept/status/2100840547544138142
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે બિહાર, ઓડિશા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, કર્ણાટક અને લક્ષદ્વીપમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગો અને અંદામાન અને નિકોબાર ટાપુઓ પર પણ આવી જ હવામાનની સ્થિતિ રહેવાની શક્યતા છે. હવામાન એજન્સીએ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે.
ચોમાસું ક્યારે વિદાય લેશે?
રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય આ અઠવાડિયે શરૂ થઈ શકે છે; જોકે, તે પહેલાં 18 સપ્ટેમ્બરે પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં વરસાદની શક્યતા છે અને 18 થી 23 સપ્ટેમ્બર દરમિયાન છત્તીસગઢમાં વ્યાપક વરસાદની સંભાવના છે.
IMD અનુસાર, ગુજરાતમાં 18-19 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો દોર ચાલુ રહેશે. ગોવા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. ૧૮ સપ્ટેમ્બરના રોજ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.
આ પણ વાંચો: બાથરૂમ સુધી કર્યો પીછો... 17 વાર છરીથી હુમલો, Americaમાં 'Mr Singh'પોસ્ટ બાદ વિવાદ વચ્ચે શીખ ડ્રાઈવર પર હુમલો