સમગ્ર દેશમાં હાલ હવામાનનો મિજાજ અત્યંત ચિંતાજનક બની રહ્યો છે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમી અને લૂની ઝપેટમાં છે, તો બીજી તરફ અનેક રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના 8 રાજ્યો માટે તીવ્ર હીટવેવનું એલર્ટ જારી કર્યું છે, જ્યારે આગામી 12 કલાકમાં 17 રાજ્યોમાં ભારે તોફાન અને વરસાદની આગાહી કરી છે.

આભમાંથી વરસી રહી છે આગ, બાંદા દેશમાં સૌથી ગરમ

દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં સૂર્યનારાયણનો પ્રકોપ અસહ્ય બની ગયો છે. બપોરના સમયે ફૂંકાતા ગરમ પવનો (લૂ) ત્વચાને દઝાડી રહ્યા છે. ઉત્તર પ્રદેશનું બાંદા શહેર સતત બે દિવસથી સમગ્ર દેશમાં સૌથી ગરમ સ્થળ નોંધાયું છે, જ્યાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે સામાન્ય કરતાં 4.5 ડિગ્રી વધુ છે. રાજધાની દિલ્હીમાં પણ પારો 47 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 થી 47 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે.

8 રાજ્યોમાં ઓરેન્જ અને રેડ એલર્ટની સ્થિતિ

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ સહિત ૮ રાજ્યો માટે આગામી સાત દિવસ માટે ઓરેન્જ હીટવેવ એલર્ટ જારી કર્યું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં આગામી ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. બુંદેલખંડ અને વિદર્ભ જેવા વિસ્તારોમાં 20 થી 24 મે દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે.

17 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી

તીવ્ર ગરમીની વચ્ચે જ દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સાનુકૂળ પરિસ્થિતિઓને કારણે ચોમાસું ધીમે-ધીમે ઉત્તર અને પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવન ફૂંકાઈ શકે છે.
બે વિપરિત પરિસ્થિતિ
પૂર્વોત્તર ભારતના રાજ્યો જેવા કે આસામ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરા ઉપરાંત આંદામાન-નિકોબાર ટાપુઓમાં આગામી દિવસોમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે. આમ, દેશ અત્યારે એકસાથે બે વિપરીત ઋતુઓનો સામનો કરી રહ્યો છે; ક્યાંક આકરી ગરમી જીવ લઈ રહી છે તો ક્યાંક વાવાઝોડું તબાહી મચાવવા તૈયાર છે.

આ પણ વાંચોઃ Gujarat Latest News Updated: સુરતમાં બિલ્ડરના ઘરમાંથી 48 લાખની ચોરી કરનાર કુખ્યાત ઝડપાયો,પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો