દેશભરમાં જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આ વર્ષના ચોમાસાને લઈને અત્યંત મહત્વપૂર્ણ અને ચિંતાજનક આગાહી જાહેર કરવામાં આવી છે. એક વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા હવામાન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે, જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાવાની શક્યતા છે. આ સમાચાર ખાસ કરીને ખેતી અને ગ્રામીણ અર્થતંત્ર સાથે જોડાયેલા લોકો માટે ચિંતા વધારનારા સાબિત થઈ શકે છે.

આ વર્ષે ચોમાસું નબળું રહેશે

હવામાન વિભાગના સત્તાવાર ડેટા અનુસાર, આ વર્ષે દેશમાં કુલ વરસાદની આગાહી 90 ટકા (90%) રાખવામાં આવી છે. જો આપણે પાછલા વર્ષ સાથે સરખામણી કરીએ તો, ગયા ચોમાસાની સિઝનમાં આ આંકડો ૯૨ ટકા (92%) જેટલો હતો. એટલે કે આ વર્ષે ચોમાસાના કુલ વરસાદમાં સીધો ૨ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે અલ-નીનો (El Nino) ની અસરો તરફ ઈશારો કરે છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વીય ભાગોને બાદ કરતાં દેશના અન્ય તમામ પ્રદેશોમાં ચોમાસાની ગતિ ધીમી અને નબળી રહેવાનું અનુમાન છે.

ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ?

ગુજરાતના સંદર્ભમાં પણ હવામાન વિભાગે ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું છે. રાજ્યમાં એકંદરે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જૂન મહિનાની જો વાત કરીએ તો, ગુજરાતના કેટલાક મર્યાદિત ભાગોમાં જ સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે બાકીના મોટાભાગના વિસ્તારો કોરા રહી શકે છે અથવા ત્યાં સામાન્યથી ઘણો ઓછો વરસાદ પડશે.

વરસાદની ખેંચ વચ્ચે જૂન મહિવામાં ગરમીનો સામનો કરવા તૈયાર રહેજો

વરસાદની આ ખેંચ વચ્ચે જૂન મહિનામાં ગુજરાતીઓએ અસહ્ય અને કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ વખતે જૂન મહિનામાં ગરમીનું મોજું (Heatwave) લાંબા સમય સુધી ચાલશે. સામાન્ય રીતે જૂન મહિનામાં જેટલા દિવસો હીટવેવના હોય છે, તેના કરતાં આ વર્ષે વધુ દિવસો સુધી આકરી ગરમી અને લૂનો પ્રકોપ અનુભવાશે. આ ઉપરાંત સરેરાશ તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જૂનના અંત સુધીમાં જ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની આશા છે.