Airport Security: નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એર ઈન્ડિયાની હબ-એન્ડ-સ્પોક ઈમિગ્રેશન પ્રક્રિયામાં બેદરકારી બદલ કડક કાર્યવાહી કરી છે. ભૂલ સામે આવ્યા બાદ એર ઈન્ડિયાના એક કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું કે કર્મચારીએ મુસાફરોને નક્કી કરાયેલા માર્ગ પરથી જવા દીધા નહોતા, જેના કારણે એરપોર્ટની સુરક્ષામાં ચૂક થઈ. મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે એરપોર્ટની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકારવામાં આવશે નહીં.
ત્રણ ઈટાલિયન નાગરિકો સાથે જોડાયેલો છે મામલો
આ સમગ્ર મામલો 3 ઈટાલિયન નાગરિકો સાથે જોડાયેલો છે. ત્રણેય 4 સપ્ટેમ્બરે અમૃતસરથી દિલ્હી આવ્યા હતા અને કોઈપણ ઈમિગ્રેશન તપાસ વગર દિલ્હી એરપોર્ટથી સીધા મ્યુનિક જવા રવાના થઈ ગયા હતા. ત્યારબાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MOCA)એ 12 સપ્ટેમ્બરે એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. સાથે જ 14 સપ્ટેમ્બરે ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં બેઠક પણ બોલાવવામાં આવી હતી.
અમૃતસરથી દિલ્હી, ત્યારબાદ મ્યુનિક ગયા
મળતી માહિતી મુજબ, ત્રણેય ઈટાલિયન મુસાફરો 4 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 12:50 વાગ્યે અમૃતસરથી એયર ઈન્ડિયાની ફ્લાઈટ AI-1115 દ્વારા દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ રાત્રે 1:45 વાગ્યે તેઓ લુફ્થાન્સાની ફ્લાઈટમાં સવાર થઈને મ્યુનિક જવા રવાના થયા હતા. ત્રણેય હબ-એન્ડ-સ્પોક મોડલ હેઠળ મુસાફરી કરી રહ્યા હતા. આ અંતર્ગત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે અલગ-અલગ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પરંતુ આ મામલામાં નક્કી કરાયેલી પ્રક્રિયાનું પાલન થયું નહોતું. જેના કારણે મુસાફરો જરૂરી ઈમિગ્રેશન તપાસ વગર જ આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન વિસ્તાર સુધી પહોંચી ગયા અને ફ્લાઈટમાં બેસી ગયા. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘટના બાદ કનેક્ટિંગ ઈન્ટરનેશનલ મુસાફરો સાથે જોડાયેલી ઓપરેશનલ પ્રક્રિયાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમાં હબ-એન્ડ-સ્પોક મોડલ હેઠળ લાગુ કરવામાં આવેલી વ્યવસ્થાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
એયર ઈન્ડિયા તરફથી ક્યાં થઈ ચૂક?
મંત્રાલયના જણાવ્યા અનુસાર, નક્કી કરાયેલા નિયમો મુજબ મુસાફરોને માત્ર D (ડોમેસ્ટિક) અને I (ઈન્ટરનેશનલ) કેટેગરીના બોર્ડિંગ પાસ જ આપવામાં આવવાના હતા. દિલ્હી પહોંચ્યા બાદ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને અલગ રાખવાના હતા, પરંતુ એવું થયું નહીં. માત્ર I કેટેગરીના બોર્ડિંગ પાસ ધરાવતા મુસાફરોને જ ઈન્ટરનેશનલ-ટુ-ઈન્ટરનેશનલ ટ્રાન્સફર ડેસ્ક સુધી પહોંચવાનું હતું. તેમ છતાં D કેટેગરીના બોર્ડિંગ પાસ ધરાવતા મુસાફરો પણ ત્યાં પહોંચી ગયા હતા.
24 કલાક નોડલ અધિકારીની વ્યવસ્થા જરૂરી
હબ-એન્ડ-સ્પોક એરપોર્ટ પર 24 કલાક માટે એક નોડલ અધિકારી તૈનાત હોવો જોઈએ, જેથી કોઈપણ મુસાફર જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા વગર આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન વિસ્તાર સુધી ન પહોંચી શકે. આ ઉપરાંત 24 કલાક દેખરેખ રાખતી ટીમની પણ જરૂર હતી. પરંતુ આ મામલામાં મુસાફરોની દેખરેખ રાખવાની સિસ્ટમ પણ નિષ્ફળ રહી હતી.
આ પણ વાંચો: ફુકેટ-દિલ્હી ફ્લાઇટને લઇને મોટા સમાચાર, એર ઈન્ડિયાના વધુ બે પાઇલટ ડ્રગ ટેસ્ટમાં ફેલ!