આજે ભારતભરમાં ખેડૂત સંગઠનો અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા 'ભારત બંધ'નું આહવાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ, નવા શ્રમ કાયદા અને કૃષિ ક્ષેત્રની પડતર માંગણીઓના વિરોધમાં આ આંદોલન છેડવામાં આવ્યું છે. આ હડતાળમાં સંયુક્ત કિસાન મોરચા (SKM) સહિત દેશના 10 મુખ્ય ટ્રેડ યુનિયનો જેમ કે INTUC, AITUC, CITU અને HMS સામેલ છે. સંગઠનોનો દાવો છે કે દેશભરમાંથી આશરે 30 કરોડ કામદારો આ પ્રદર્શનમાં જોડાશે.

શા માટે આ હડતાળ? (મુખ્ય માંગણીઓ)

આંદોલનકારી સંગઠનોએ કેન્દ્ર સરકાર સામે અનેક ગંભીર મુદ્દાઓ રજૂ કર્યા છે જેમાં

શ્રમ કાયદા: ચાર નવી શ્રમ સંહિતાઓને પાછી ખેંચવાની માંગ.

વેપાર કરાર: ભારત-અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરારનો વિરોધ.

ખાનગીકરણ: જાહેર સાહસોના ખાનગીકરણની પ્રક્રિયા અટકાવવી.

પેન્શન અને વેતન: જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવી અને લઘુત્તમ વેતનમાં વધારો કરવો.

કૃષિ મુદ્દા: કૃષિ કાયદા અને ખેડૂત હિતની નીતિઓમાં ફેરફાર.

બેંકિંગ અને પરિવહન પર અસર

આ હડતાળમાં AIBEA, AIBOA અને BEFI જેવા અગ્રણી બેંક યુનિયનો જોડાતા જાહેર ક્ષેત્રની બેંકોમાં કામગીરી ધીમી પડી શકે છે. જોકે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ATM સેવાઓ ચાલુ રહેશે, પરંતુ ચેક ક્લિયરન્સ અને કાઉન્ટર પરની કામગીરીને અસર પહોંચવાની પૂરી સંભાવના છે. પરિવહન ક્ષેત્રે પણ બસ, ઓટો અને લોરી ડ્રાઇવર્સ યુનિયનોએ બંધને સમર્થન આપ્યું છે. ઘણા રાજ્યોમાં મુસાફરોને મુશ્કેલી પડી શકે છે અને મોટા શહેરોમાં ટ્રાફિક જામ અથવા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ શકે છે.

બજારો અને શિક્ષણ સંસ્થાઓ

સ્થાનિક વેપારી સંગઠનો અને મંડીઓએ હડતાળને નૈતિક ટેકો આપ્યો હોવાથી જથ્થાબંધ બજારો આંશિક રીતે બંધ રહી શકે છે. શિક્ષણની વાત કરીએ તો, કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને પરિવહનની અગવડતાને જોતા શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

કઈ સેવાઓ ચાલુ રહેશે?

સામાન્ય જનતાને ભારે હાલાકી ન પડે તે માટે કટોકટીની સેવાઓને આ બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે:

એમ્બ્યુલન્સ, હોસ્પિટલો અને દવાની દુકાનો.

ફાયર બ્રિગેડ (અગ્નિશમન દળ).

હવાઈ મુસાફરી અને એરપોર્ટ સેવાઓ.

દૂધ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો

આ પણ વાંચોઃ EDએ અમીરા પ્યોર ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને ઓલ ટાઈમ ડાયરેક્ટરને ભાગેડુ જાહેર કર્યા