ભારતે જોર્ડનના કારક (Karak) ખાતે શુક્રવારે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વધુમાં, મંત્રાલયે આતંકવાદ સામેની લડાઈમાં જોર્ડનની સરકાર સાથે એકતા દર્શાવવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલયે શનિવારે આ અંગે એક સત્તાવાર નિવેદન જારી કર્યું હતું. નિવેદનમાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "ભારત 23 ઓક્ટોબર, 2026ના રોજ જોર્ડનના કારક ખાતે એક ચર્ચ પર થયેલા ઘૃણાસ્પદ હુમલાની સખત નિંદા કરે છે. આ હુમલામાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અમે પીડિતોના શોકતુર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ."
આતંકવાદ સામેની લડાઈમાં એકતા દર્શાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર
રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે, "આ મુશ્કેલ સમયમાં ભારત જોર્ડન (હશેમાઈટ કિંગડમ ઓફ જોર્ડન)ની સરકાર અને ત્યાંના મૈત્રીપૂર્ણ લોકોની સાથે મક્કમતાથી ઊભું છે. અમે આતંકવાદના તમામ સ્વરૂપો સામે લડવાની અમારી દ્રઢ પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કરીએ છીએ."
https://x.com/MEAIndia/status/2113930537392062775?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2113930537392062775%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
હુમલામાં 7 લોકોના મોત અને 40 ઘાયલ, જોર્ડનના આરોગ્ય મંત્રી
એક અહેવાલ મુજબ, શુક્રવારે જોર્ડનના કારક ખાતે એક ચર્ચમાં અંતિમ સંસ્કાર વિધિ દરમિયાન બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં કુલ સાત લોકોના મોત થયા છે. દેશના જાહેર સુરક્ષા નિર્દેશાલય (Public Security Directorate)ના વડાએ આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે જોર્ડનના ખ્રિસ્તી લઘુમતી સમુદાય પર આવો હુમલો થવો દુર્લભ છે. તેમણે આ ઘટનાને ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલો આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.
જોર્ડનના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ આતંકવાદી હુમલામાં 7 લોકોના મૃત્યુ ઉપરાંત અન્ય 40 લોકો ઘાયલ થયા છે. ગૃહમંત્રી માઝેન અલ-ફરાયાહે કહ્યું, "આ હુમલો ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ કોઈ જાણીતા સંગઠન સાથે જોડાયેલા હતા કે કેમ પછી ભલે તે જોર્ડનની અંદર કાર્યરત હોય કે બહાર તે કહેવું અત્યારે ઉતાવળ ગણાશે." જોર્ડનમાં આવા હુમલા અત્યંત દુર્લભ છે.
આ પણ વાંચો: Meerut: 'બ્લુ ડ્રમ' કાંડમાં નવો વળાંક, ફાંસીની સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચ્યા મુસ્કાન અને સાહિલ