ભારત સરકારે Meta સહિત મોટી ટેક કંપનીઓને લઈને પોતાનું વલણ વધુ કડક બનાવ્યું છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં કાર્યરત કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ અમેરિકન કાયદા પ્રમાણે નહીં, પરંતુ ભારતીય કાયદા અને નિયમો અનુસાર સંચાલિત થવું પડશે.

ડિજિટલ પ્લેટફોર્મ્સે સંતુલન જાળવવું જરૂરી 

ડિજિટલ પ્લેટફોર્મ્સની જવાબદારી માત્ર ટેક્નિકલ સેવા પૂરી પાડવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભારતીય સમાજ, કાયદા અને વપરાશકર્તાઓ પ્રત્યે પણ તેમની જવાબદારી છે. Meta અને સરકારના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકોમાં ટેક્નિકલ વિગતો, ડેટા લોગ્સ અને પ્લેટફોર્મની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે બંધારણનો આર્ટિકલ 19 નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પરંતુ તેની સાથે યોગ્ય નિયંત્રણોની જોગવાઈ પણ છે. ડિજિટલ પ્લેટફોર્મ્સે આ સંતુલન જાળવવું જરૂરી છે અને લોકોનો વિશ્વાસ જાળવવો તેમની મુખ્ય જવાબદારી હોવી જોઈએ.

મેટાએ પોતાની ખામી સ્વીકારી 

બેઠક દરમિયાન ઈન્ટરનેટ પર વધતા ડીપફેક કન્ટેન્ટ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સરકારે જણાવ્યું કે Meta ઉપરાંત ‘X’ અને ટેલિગ્રામ જેવા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથે પણ આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ, Metaના સ્થાપક માર્ક ઝુકરબર્ગે પોતાના પ્લેટફોર્મ પર ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (CSAM), ડીપફેક કન્ટેન્ટ અને પ્લેટફોર્મ નિયમનમાં થયેલી ખામીઓ અંગે માફી માગી હોવાનું સામે આવ્યું છે. Metaએ સ્વીકાર્યું છે કે કેટલાક ગેરકાયદેસર કન્ટેન્ટને રોકવામાં ખામીઓ રહી હતી.

સરકારી અધિકારીઓએ Metaને એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કંપની પોતે નક્કી કરે છે કે કયો કન્ટેન્ટ કોને દેખાડવો તો તેને IT એક્ટ હેઠળ મળતી 'સેફ હાર્બર' કાનૂની સુરક્ષાનો લાભ મળવો જોઈએ નહીં. સરકાર ડિજિટલ પ્લેટફોર્મ્સને વધુ જવાબદાર અને પારદર્શક બનાવવા પર ભાર આપી રહી છે.

આ પણ વાંચો : GenZ સાથે પહેલા વાત થવી જોઈતી હતી..., વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં બોલ્યા RSS પ્રમુખ Mohan Bhagwat